Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

સુમુલ ડેરીની 100 કરોડની વગર વ્યાજની ધિરાણ યોજનાની જાહેરાત: સુરત જિલ્લાના લાખો પશુપાલકોને મળશે રાહત

વર્ષ 2020-21માં સુમુલે 4 હજાર 139 કરોડનું ટર્ન ઓવર કર્યું અને પશુપાલકોને 2 હજાર 650 કરોડની ચૂકવણી કરી

સુરત જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે.જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ રૂપિયા 100 કરોડની વગર વ્યાજની ધિરાણ  યોજનાની જાહેરાત કરી છે.સુમુલ ડેરીના આ નિર્ણયથી સુરત જિલ્લાના લાખો પશુપાલકોને મોટી રાહત મળશે સાથે જ પશુપાલન વ્યવસાયને વેગ મળશે.

મહત્વપૂર્ણ છે કે સુમુલ ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં પશુપાલકોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો.સુમુલ ડેરીના ટર્ન ઓવર પર નજર કરીએ તો વર્ષ 2020-21માં સુમુલે 4 હજાર 139 કરોડનું ટર્ન ઓવર કર્યું અને પશુપાલકોને 2 હજાર 650 કરોડની ચૂકવણી કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં સુરતમાં આવેલી સુમુલ ડેરીએ પશુપાલકોને બોનસ જાહેર કર્યું હતું. સુમુલ ડેરીની બેઠક મળી હતી અને આ બેઠકમાં 227 કરોડ રૂપિયા બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પશુપાલકોને કિલો ફેટ 86 રૂપિયા બોનસ પેટે ચુકવવાની જાહેરાત કરવામ આવી હતી. આ બેઠકમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલેની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેશભરમાં કોરોના અને લોકડાઉનના સમયમાં પશુપાલકોએ ઘણું નુકશાન વેઠયું હતું. સુમુલ ડેરીના નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને તેનો ફાયદો મળશે. વર્ષ 2019 માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 80, 2020 માં પ્રતિકીલો ફેટ 85 અને હવે 2021 માં પ્રતિકિલો ફેટ 86 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

(11:09 pm IST)