Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

સુરતમાં મેયર ડેશબોર્ડ પર ગાર્ડન વિભાગની સૌથી વધુ ફરિયાદો મળી: બાગબગીચાની જાળવણી કરવા માંગણી

ઓનલાઈન ફરિયાદના નિકાલમાં ઘણા અધિકારીઓ વેઠ ઉતારતા હોવાની બૂમ ઉઠ્યા બાદ મેયરે ડેશબોર્ડ શરૂ કર્યું

સુરત : શહેરીજનોના પ્રશ્નો અને સમસ્યાઓની ઓનલાઈન ફરિયાદ થઈ શકે તે માટે મહાનગરપાલિકાના વેબ પોર્ટલ પર સુવિધા ઉપલબ્ધ છે. જોકે આ ઓનલાઈન ફરિયાદના નિકાલમાં ઘણા અધિકારીઓ વેઠ ઉતારતા હોવાની બૂમ ઉઠ્યા બાદ થોડા સમય પહેલા સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલી ભોઘવાળાએ મેયર ડેશબોર્ડ શરૂ કર્યું છે.

આ ડેશબોર્ડમાં મનપાના તમામ વિભાગો અને ઝોનમાં થતી ઓનલાઈન ફરિયાદોની સ્થિતિ મેયર સહિતના પદાધિકારીઓના આંગળીના ટેરવા પર મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેયરે આ ડૅશબોર્ડના આધારે દરેક ઝોનમાં જે તે વિભાગની પેન્ડિંગ ફરિયાદોનો નિકાલ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તે અંગે સમીક્ષા શરૂ કરી છે.

લાંબા સમયથી પેન્ડિંગ અને નિકાલ ન થતો હોય એવી ફરિયાદો માટે હવેથી મેયર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ જે તે કમિટી ચેરમેન સાથે મિટિંગ કરીને આ બાબતે ચાર્જીસ કરવામાં આવશે. મેયર ડેશબોર્ડ પર સૌથી વધુ ફરિયાદો ગાર્ડન વિભાગની આવી છે. જેમાં જે તે ઝોન અને ગાર્ડન વિભાગના સંબંધિત અધિકારીઓ તેમજ ગાર્ડન સમિતિના ચેરમેનને પણ હાજર રાખવામાં આવ્યા હતા.

મેયરે કરેલા નિરીક્ષણ મુજબ સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડન અંગે 204 ફરિયાદો હતી, જેમાંથી 117 ફરિયાદો પેન્ડિંગ હતી. રાંદેર ઝોનમાં 435 ફરિયાદો હતી, જે પૈકી 272 ફરિયાદો પેન્ડિંગ હતી. જ્યારે ઉધના ઝોનમાં 194 પૈકી 126 ફરિયાદો પેન્ડિંગ જોવા મળી હતી. જ્યારે કતારગામ ઝોનમાંથી 134 પૈકી 28 ફરિયાદો પેન્ડિંગ હતી. તેથી આ ફરિયાદો સાથે સંબંધિત અધિકારીઓને બોલાવીને જવાબ માંગવામાં આવ્યો હતો.

પેન્ડિંગ ફરિયાદોનું તાકીદે નિરાકરણ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે અનલોકમાં ગાર્ડન શરૂ થયા બાદ હજી પણ ઘણા ગાર્ડનમાં વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું નથી પણ ખાતેનું લેક ગાર્ડન પણ એવું છે જ્યાં તળાવમાં લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. અનલોક પછી ખુલેલા ગાર્ડનમાં હજી મેઈન્ટેનન્સ યોગ્ય રીતે નહીં કરવામાં આવી રહ્યું હોવાની સ્થાનિકોની ઘણી ફરિયાદો છે.

લેક ગાર્ડન તો મોટા ઉપાડે બનાવી દેવામાં આવ્યા છે પણ તેની જાળવણી યોગ્ય રીતે થતી નથી. હવે મેયર ડેશબોર્ડ પર જ્યારે આ ફરિયાદ આવી છે. ત્યારે જોવાનું રહેશે કે કેટલી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવે છે

 
 
(10:30 pm IST)