Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

છાત્રોની ઓછી સંખ્યાથી ધો.૯ના ૧૦૦ વર્ગો બંધ થશે

૨૦૦ શિક્ષકોને છૂટા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ : કોરોનાનો ડર, ધંધા-રોજગાર ભાંગી પડવાને કારણે પૈસાનો અભાવ, વગેરે કારણોસર નવમા ધોરણના વર્ગો ખાલી

અમદાવાદ,તા.૨૫ : કોરોના મહામારીને કારણે પ્રત્યેક વ્યક્તિનું જીવન પ્રભાવિત થયું છે. કામદારો હોય, વેપારીઓ હોય કે પછી વિદ્યાર્થીઓ હોય, તમામ લોકોએ કોરોનાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો શાળાઓ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર ઘણી અસર પડી છે. વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા સાથે વતન જતા રહ્યા હોવાને કારણે શાળા સંચાલકો પણ દુવિધામાં છે. આ દરમિયાન સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યમાં ધોરણ નવના વર્ગો માટે ગતવર્ષના પરિપત્રનો અમલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે હજુ ઘણાં વિદ્યાર્થીઓ વતનથી પાછા નથી ફર્યા, જેના કારણે વર્ગોમાં પૂરતી સંખ્યા ન હોવાને કારણે આ માંગણી કરવામાં આવી છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ૧૦૦ જેટલો વર્ગો બંધ કરવાની ફરજ પડશે અને ૧૫૦થી૨૦૦ શિક્ષકોને છૂટા કરવા પડશે. સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે, રાજ્યમાં ઉનાળુ વેકેશન સમાપ્ત થયા પછી શૈક્ષણિક સ્ટાફ હાજર થયો અને તબક્કાવાર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી.

       કોરોના ગાઈડલાઈન અનુસાર ૫૦ ટકા વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવે છે. પરંતુ શાળા સંચાલકો અનુભવી રહ્યા છે કે કોરોના, લોકડાઉન અને સ્થાળાંતરની મોટી અસર નોકરી-ધંધા પર પડી હોવાને કારણે શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થાય છે. ગુજરાત બહારથી આવીને સ્થાયી થયેલા લોકોનો મોટો સમૂહ લોકડાઉનથી કંટાળીને પોતાના વતન પાછો ફર્યો હતો. ગુજરાત છોડીને વતન ગયેલા ઘણાં કામદારો કામની શોધમાં પાછા તો ફર્યા છે પરંતુ પરિવારને વતનમાં મૂકીને આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરનો ભય આમ કરવા પાછળનું એક કારણ હોઈ શકે છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૮માં ઘોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ધોરણ ૯માં મોકલવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી ૩૦થી ૪૦ ટકા વાલીઓએ હજી પોતાના બાળકોના લિવિંગ સર્ટિફિકેટ કઢાવ્યા નથી. નાણાંકીય ભીંસના કારણે ઙણાં વાલીઓએ બાળકોના ધોરણ ૯માં પ્રવેશ નથી કરાવ્યા. સંચાલક મંડળે જણાવ્યું કે, એક વર્ગવાળી શાળામાં હજી જરૃરી રજિસ્ટર્ડ સંખ્યા નોંધાઈ નથી અને બે કે વધારે વર્ગ વાળી શાળાઓની પરિસ્થિતિ પણ ચિંતાજનક છે.

(8:42 pm IST)