Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ટેક્સ નહી ભરનારા લોકોને પણ ફટકારશે નોટીસ

શહેરમા 5. 25 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે. તેની સામે પ્રોફેશનલ કરદાતામાં માત્ર 3.25 લાખ નોંધાયેલા કરદાતા છે

અમદાવાદ મહાનગરપાલિકાએ મિલકતવેરાની જેમ પ્રોફેશનલ ટેક્સ નહી ભરનારા લોકો સામે પણ લાલ આંખ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી બાકી પ્રોફેશનલ ટેક્ષને લઇને પણ નોટીસ આપવામા આવશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમા 5. 25 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે. તેની સામે શહેરમાં પ્રોફેશનલ કરદાતામાં માત્ર 3.25 લાખ નોંધાયેલા કરદાતા છે.

 અમદાવાદ શહેરમાં 2 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી એવી છે જેઓ પ્રોફેશનલ કરદાતા તરીકે નોંધણી ધરાવતા નથી. જો આવા કરદાતાઓને પણ આવરી લેવામાં આવે તો કોર્પોરેશનની આવકમાં વર્ષે રૂ. 25 થી 30 કરોડનો વધારો થઇ શકે છે. આ બાબતને જોતાં કોર્પોરેશન હવે 1.37 લાખ કરતાં વધારે એકમોને કારણદર્શક નોટિસ પાઠવશે.

શહેરમાં જે કોમર્શિયલ એકમો એવા છે જેમણે હાલ પ્રોફેશનલ એક્ટ હેઠળ પી.ઇ.સી.ની નોંધણી કરાવી નથી. તેવા એકમોને મ્યુનિ. નોટિસ પાઠવશે. જોકે પ્રોફેશનલ ટેક્ષને લઇને અધિકારીનું શાસન આવે તેનું પણ ધ્યાન રખાશે.

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં ભળેલા બોપલ વિસ્તારમા મિલકતોની આકારણીની કામગીરી ચાલી રહી છે. બોપલના રહીશોને ટેક્સ કે આકારણી બાબતે કોઇ સવાલો કે મૂંઝવણ હોય તો તેના નિકાલ માટે તંત્રએ એક નંબર 88 66 37 1397 જાહેર કર્યો છે. જેની પર અત્યાર સુધીમાં આશરે 300 જેટલા મેસેજ આવ્યા છે. લોકોએ આકારણીને લઇને વિવિધ પ્રશ્નો કર્યા છે.

જેમાં મોટાભાગે લોકોએ પ્રશ્ન કર્યો છે કે આકારણી કઇ રીતે થાય છે ? નગરપાલિકા કરતાં કોર્પોરેશનના ટેક્સમાં કેટલો વધારો થશે? આકારણી ક્યારે પુર્ણ થશે ? વગેરે સવાલો કરવામાં આવ્યા છે..આમ મોટી સંખ્યામા લોકો આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. તંત્રનુ માનીએ તો બોપલમાં આગામી નવરાત્રી દરમિયાન પ્રોપર્ટીટેક્ષના બીલોની વહેચણી કરવામા આવશે.બોપલમાં આકારણીનુ 80 ટકા કામ પુર્ણ થઇ ગયુ છે.

(8:30 pm IST)