Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ પાર્ટીએ હોદ્દા પરથી દૂર કર્યા

નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલે હિરેન પટેલ વિરુદ્ધ ત્વરિત કડક કાર્યવાહી કરી પક્ષ માંથી બરતરફ કરી દીધા

નર્મદા જિલ્લા ઉપપ્રમુખ વિરુદ્ધ પર આદિવાસી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા તિલકવાડા પોલીસે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.હવે ભારતીય જનતા પાર્ટી પોતાના જ હોદ્દેદાર વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે નહીં એ બાબતે સવાલો ઊઠી રહ્યાં હતાં.જો કે પાર્ટી સંગઠને એમને હોદ્દા પરથી દૂર કર્યા છે.

તિલકવાડા તાલુકાના જેતપુર ગામની 30 વર્ષીય યુવતીએ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો હતો.પોતે પરિણીત અને 2 સંતાનોના પિતા હોવા છતાં પોતાની પુત્રીની ઉંમરની યુવતી સાથે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલે આવું અધમ કૃત્ય કરતા શિસ્તતાને વરેલી ભારતીય જનતા પાર્ટી પર ખરાબ છાંટા ઉડયા હતા.તો બીજી બાજુ નાંદોદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રહેતા તડવી સમાજમાં ભારોભાર નારાજગી છવાઈ હતી.

તો બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલે હિરેન પટેલ વિરુદ્ધ ત્વરિત કડક કાર્યવાહી કરી એમને પક્ષ માંથી બરતરફ કર્યા હતા.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આ બાબતે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય એ માટે હિરેન પટેલને તત્કાલીન અસરથી એમના પદ પરથી દૂર કરવામાં આવે છે.

(8:24 pm IST)