Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

વરસાદની અછત ધરાવતા વિસ્તારોનો સર્વે કરી અછતગ્રસ્ત કે અર્ધઅછતગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને સહાય જાહેર કરો

અર્જુન મોઢવાડીયાએ કહ્યું -- વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાઈ રહ્યાં છે. પશુઓ માટે વાવવામાં આવેલો ઘાસચારો પણ સુકાઈ રહ્યો છે.

>અમદાવાદ :ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં પ્રથમ વરસાદ થયાના 50 દિવસ થવા છતાં હજી સુધી બીજો નોંધપાત્ર વરસાદ થયો નથી. જ્યાં વરસાદ થયો છે, ત્યાં પણ નજીવો વરસાદ થયો છે. એટલે રાજ્યમાં લગભગ અર્ઘદુષ્કાળ જેવી પરિસ્થિતી છે. જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં પૂરતો વરસાદ ન થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. આ સીઝનમાં રાજ્યમાં સરેરાશ 54 ટકા વરસાદની ઘટ છે. એટલે કે હજી સુધી જરૂરિયાત કરતા અડધો વરસાદ પણ રાજ્યમમાં નથી પડ્યો. કચ્છમાં 31.74 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 31.98 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં 37.94% ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં 37.10 ટકા વરસાદ પડ્યો છે.
અર્જુનભાઈ મોઢવાડિયા ઉમેર્યુ હતું કે, ખેડુતોને દુષ્કાળ અને અતિવૃષ્ટિમાં નુકશાન સામે સુરક્ષા આપતી પાક વીમા યોજાનાને વર્તમાન ભાજપ સરકારે બંધ કરી દીધી છે. પરંતુ તેની અવેજીમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં માન. મુખ્યમંત્રીએ 'મુખ્યમંત્રી કિસાન સહાય યોજના' ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની SDRF યોજના પણ ઉપલબ્ધ છે. આ બંને યોજનાઓ મુજબ પ્રથમ વરસાદ થયા બાદ 28 દિવસ સુધી બીજો વરસાદ ના થાય તો ખેડૂતો લાભ મળવા પાત્ર છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33%થી 60% માટે રૂ. 20000 પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે. ખરીફ ઋતુમાં 60%થી વધારે પાક નુકશાન માટે રૂ.25000 પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે.
(8:01 pm IST)