Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

વડોદરામાં જુગાર રમતા શહેર યુવા ભાજપના મંત્રી સહિત 11 પિતાપ્રેમીઓ ઝડપાતા ચકચાર

હરણી પોલીસે કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો: કુલ રૂપિયા 75,730નો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરામાં પોલીસે મકાનમાં ચાલી રહેલ શ્રાવણીયા જુગાર પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે મકાન માલિક માલિક અને વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી સહિત 11 જુગારીયાને 75 હજાર રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મોડી રાત્રે જુગાર રમતા ખાનદાની નબીરા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે હરણી પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા.આ દરોડામાં પોલીસે 11 યુવાનો જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. જેમાં મકાન માલિક સ્નેહલ ભાસ્કરભાઇ શાહ(રહે, 8, વામા ડુપ્લેક્ષ, અમિતનગર, કારેલીબાગ), શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત ધર્મેશભાઇ શાહ (રહે. એફ-29, સામ્રાજ્ય બંગ્લોઝ, અકોટા), દિપ મહેશભાઇ પટેલ (રહે. 489, સવાદ ક્વાર્ટર, કારેલીબાગ), પૂર્ણાક જયેન્દ્રકુમાર ખાચર (રહે, 8, ક્રિષ્ણા બંગ્લોઝ, અંબે સ્કૂલની બાજુમાં, માંજલપુર), હર્ષ દિલીપસિંહ રાઠોડ (રહે. 38, પ્રિયદર્શી સોસાયટી, મકરપુરા રોડ), શરત પન્નાલાલ ચોક્સી (રહે. મહેતા પોળ, માંડવી), ઉત્સવ પરેશભાઇ શાહ (રહે. 28, નારાયણ સોસાયટી, હરણી), ધર્મેશ ધીરજભાઇ બાથાણી (રહે. 34, અમી સોસાયટી, દિવાળીપુરા), પ્રિયમ શાંતિલાલ શાહ (રહે. પર્સન સોસાયટી, આર.વી. દેસાઇ રોડ), રાજેશ વસંતભાઇ પટેલ (રહે. 21, પ્રભૂલિ સોસાયટી, હરણી) અને આશિષ પ્રકાશભાઇ ઠક્કર (રહે. એફ-29, સામ્રાજ્ય બંગલોઝ, અકોટા)ની ધરપકડ કરી હતી.

પોલીસે રૂપિયા 59,950 તેમજ અંગજડતી કરી રૂપિયા 15,780 મળીને કુલ રૂપિયા 75,730નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મોડી રાત્રે પોલીસે વામા ડુપ્લેક્ષમાં દરોડો પાડી જુગાર રમતા 11 ખાનદાની નબીરાઓને ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત કારેલીબાગમાં તુલસીવાડીમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં શરીફ હલીમભાઇ અન્સારી (રહે. 308, અશોકનગર, હાથીખાના), કરીમશા મુસ્તુશા દીવાન (રહે. તુલસીવાડી), ઇમરાન લતીફમીયા શેખ (રહે. 31, યોગી કુટીર, તાંદલજા), મુનાફ ઇસ્માઇલ વ્હોરા (રહે. તુલસીવાડી ) લક્ષ્મણ દાનજીભાઇ ચાવડા (રહે. અંબેનગર, તુલસીવાડી), નાશીરમીયા મહેમુદમીયા સૈયદ (રહે. તુલસીવાડી, તુલસીચોક) અને અબ્દુલ રશીદ અબ્દુલ હમીદ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બનાવમાં જુગારના દાવ ઉપરથી તેમજ અંગજડતી કરીને રૂપિયા 11,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારેલીબાગ પોલીસે તમામ જુગારીયાઓ સામે જુગારધારા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

(6:34 pm IST)