Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ન્યુ મણિનગરમાં કોર્પોરેટરની હાજરીમાં બનાવાયેલ રોડ પાંચ જ દિવસમાં બેસી ગયો :મિલીભગતની ચર્ચા

વોર્ડના ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા

અમદાવાદ શહેરમાં હજી વરસાદી માહોલ બરાબર છવાયો નથી તેના પહેલા ઘણા એવા વિસ્તારોમાં રોડ બિસ્માર થવા લાગ્યા છે. ત્યારે શહેરના ન્યુ મણિનગરમાં કોર્પોરેટરની હાજરીમાં પાંચ દિવસ પહેલા જ બનાવવામાં આવેલ રોડ બેસી ગયો હતો. જો કે ગણતરીના દિવસોમાં જ રોડ બેસતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય તેવી ચર્ચા હાલ લોકોમાં જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરમાં ઘણા વિસ્તારોમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. જોકે, શહેરમાં હજી ચોમાસાની સિઝન પણ બરાબર બેસી નથી તો પણ રોડ બેસી જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ન્યુ મણિનગર વિસ્તારમાં આ પેચવર્કની કામગીરીતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ ગૃહમંત્રીની વિધાનસભા બેઠક વટવામાં કોર્પોરેટરની હાજરીમાં જ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, ગણતરીના દિવસોમાં આ રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

ન્યુ મણિનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે જ બનાવાયેલો રોડ બેસી ગયો હતો. વોર્ડના ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા. ગૃહમંત્રીની વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરાતો હોવાના ગીત મારફતે બણગાં ફૂંક્યા હતા. રોડની કામગીરીનો વીડિયો પણ બનાવ્યો હતો. જો કે માત્ર ગણતરીના દિવસમાં જ રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. કોન્ટ્રાકટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી સરખી અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે છે કે કેમ તે તપાસવા કોર્પોરેટરો જાય છે કે પછી રાતે કામ કરવા બહાર નીકળે છે તેવા ફોટો પડાવવા માટે જાય છે તેના પર સવાલ ઉભા થયા છે.

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડા અને રોડ તૂટી જવાની ફરિયાદ ઉઠવા પામી હતી. શહેરમાં વરસાદ બંધ હોવાથી જુદા જુદા રસ્તા ઉપર પેચવર્કના કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એક બાદ એક પેચવર્કનાં કામો ઝડપથી કરી 10 હજાર જેટલા ખાડા પૂર્યા હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

(6:29 pm IST)