Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

૪૦૦ કરોડ ફાળવાયા છતાંય સાબરમતી દૂષિત કેમ?: હાઈકોર્ટે AMC અને GPCBને કહ્યું ગંભીરતા કેમ નથી

પીરાણા STPમાંથી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતા કરવામાં આવેલી અરજી પર સુનાવણી

અમદાવાદ, તા.૨૫: સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે. કંપનીઓ દ્વારા નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુએજ ફાર્મ વિસ્તારમાં કેટલીક કંપનીઓ નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહી છે. અને પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો AMCના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર પણ કર્યો છે. સરકાર સાબરમતી નદીની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ગંગા નદી બાદ સાબરમતી નદીની જાળવણી માટે સૌથી વધુ રૂપિયા ફાળવાયા છે.

કેન્દ્ર સરકારે ૨૦૧૪માં સાબરમતી નદીની જાળવણી માટે ૪૦૦ કરોડની ફાળવણી કરી છે. છતા પણ સ્થિતિ નથી સુધરી. તો મોટો સવાલ એ થાય છે કે સાબરમતીના જાળવણી ખર્ચના રૂપિયાનો દૂરપયોગ થયો છે અને કાં તો ૪૦૦ કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ મોકલાવી ખરી પણ તંત્ર તે કામને જમીન પર ઉતારવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે.

ગુજરાત હાઇકોર્ટે AMC અને GPCB સામે લાલઆંખ કરી અને સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમો મામલે તંત્રનો ઉધડો પણ લીધો. હાઇકોર્ટે કહ્યું કે AMC અને GPCB પ્રદૂષિત એકમો સામે ગંભીરતા કેમ નથી લેતું?. હાઇકોર્ટે ખુલાસો કરવા AMC અને GPCBને નોટિસ આપી છે. અને કહ્યું છે કે સુએજ ટ્રીટ કર્યા વગર પાણી નદીમાં છોડાય તે ચિંતાજનક બાબત છે તેના પર કોઈ રોક કેમ નથી લગાવતું તંત્ર, મહત્વનું છે કે પીરાણા STP માંથી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતા કરવામાં આવેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે આગળની સુનાવણી ૩૧ ઓગસ્ટના રોજ થશે.

(3:56 pm IST)