Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

અમદાવાદનાં જુદા-જુદા વિસ્‍તારોમાં કોર્પોરેશનનાં આરોગ્‍ય તંત્રએ લીધેલા પાણીપુરીનું પાણી-ચટણી અખાદ્ય હોવાનું ખુલ્‍યું

વેફર, બફવડા, ફરાણી બિસ્કીટનાં નમુનાનું પરિણામ આવવાનું બાકી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિના દરમિયાન શહેરમાંથી જુદા-જુદા 460 ખાદ્યપદાર્થના નમુના લઇ તપાસ્યા હતા તો 10 નમુના મિસ બ્રાંન્ડેડ, 2 નમુના સબ સ્ટાન્ડર્ડ અને 6 નમુના અનસેફ નીકળ્યાં હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલી માહિતી મુજબ, શહેરના સેટેલાઇટ, મેમનગર અને જોધપુરના પાણીપુરીનું વેચાણ કરતાં એકમોમાંથી ચટણી અને પાણીપુરીનું પાણીના નમુના અનસેફ આવ્યા છે.

સેટેલાઇટના પ્રેરણાતિર્થ રોડ ઉપર આવેલા કૃષ્ણાશ્રય ફ્લેટમાં ચાલતી ભાવનાબેનની પાણીપુરીની દુકાનમાંથી લેવાયેલા ચટણીના નમુના અનસેફ એટલે કે, બિનઆરોગ્યપ્રદ આવ્યા છે. નવરંગપુરા વોર્ડમાં મેમનગર ફાયર સ્ટેશનની સામે આવેલા અસ્મી શોપિંગ સેન્ટરની આરકેએસ કિશન પાણી પુરી સેન્ટર અને સેટેલાઇટના જોધપુર ગામમાં આવેલા નંદનવન 3ના જગદીશ શાહ પકોડી સેન્ટરના પાણીપુરીના પાણીનો નમુનો પણ અનસેફ આવ્યો છે. આ ત્રણેય જગ્યાએ પાણીપુરી આરોગવી સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ સિવાય ઇસનપુરની રામદેવ ડેરીની મલાઇ બરફી, સરખેજના સાણંદ રોડ ઉપર આવેલા પારશવા સેલ્સનું રેઇનબો પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરની 1 લીટરની પાણીની બોટલ અને દરિયાપુર રોડના ઇદગાહ વિસ્તારના એચ.એસ સેલ્સના પેકેઝ્ડ ડ્રિન્કિંગ વોટર (શાયોના) 500 મીલીની પાણીની બોટલના પાણીનો નમુૂના પણ અનસેફ આવ્યા છે. આ પાણી પીવાથી નાગરિકો બિમાર પડી શકે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અનસેફ નમુના આવ્યા તે એકમો સામે પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શ્રાવણ મહિનામાં વિવિધ ફરાળી આઇટમોના નમુના લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ શ્રાવણ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાણી ચીઝવસ્તુઓનું વેચાણ વધી જાય છે તે સંદર્ભમાં શ્રાવણ માસની શરૃઆતથી જ વિવિધ ફરાણી આઇટમના નમુના લઇ તપાસ અર્થે મોકલ્યા હતા જેમાં ફરાણી ચેવડાના 14 નમુના, મોરૈયાના 9 નમુના, રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, ફરાણી લોટના 12 નમુના, વેફર, બફવડા, ફરાણી બિસ્કીટના 10 નમુના, ખાદ્યતેલના 5 નમુના અને અન્ય ચીઝવસ્તુઓના 55 નમુના લઇ કુલ 105 નમુના તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી તમામનું પરિણામ આવવાનું બાકી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતુ કે, તા.24 ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં ખાદ્યપદાર્થના 14 શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જેમાં ફરાળી પાત્રાનું એક, કાજુ કતરીનો એક, ફરાણી સાબુદાળાની ખીચડીનો એક, ચોકલેટ બરફી, દુધના હલવાના બે, ગળ્યા ખાજાના ચાર, મોટા/તિખા ખાજાના ચાર, મીઠા ફરાણી ચેવડાના એક અને ફરાણી ભાખરવડી, ફરાણી ફુલવડીના બે નમુના મળી કુલ 14 નમુના તપાસ અર્થે ફુડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. 10 એકમોને નોટિસ આપવામાં આવી છે જ્યારે 27 કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે માસ દરમિયાન 460 નમુના લીધાં હતા જે પૈકી 421 નમુના પ્રમાણિત આવ્યા છે. 10 નમુના મિસબ્રાંન્ડેડ, 2 નમુના સબ સ્ટાન્ડર્ડ અને 6 નમુના અનસેફ આવ્યા છે.

 

(3:13 pm IST)