Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ગુજરાતમાં દુષ્કાળના ડાકલાઃ નર્મદા ડેમ ગત વર્ષની સરખામણીએ ૨૦ મીટર ખાલીઃ વરસાદ ખેંચાશે તો જળસંકટ ઊભું થવાના એંધાણ

ડેમમાં ઓછું પાણી હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજયને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે

નવી દિલ્હી, તા.૨૫: આ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજયમાં ૪૦ ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની દ્યટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં ૨૪ કલાકમાં માત્ર ૩ થી ૪ સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ ૫૦ ટકા કરતા પણ ઓછું પાણી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ ૨૦ મીટર  જેટલો ખાલી છે.

સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે ૨૮ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ સાંજે ૫ કલાકે ૧૩૮.૬૮ મીટરને પાર કરતા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. નર્મદા જિલ્લા માં સિઝનનો અત્યારસુધીનો માત્ર ૪૮૭ પ્પ્ વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ સારો છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ખૂબ ઓછો વરસાદ છે.

હાલ નર્મદા બંધની જળસપાટી ૧૧૫.૮૧ મીટર થઇ છે. ઉપરવાસમાંથી પાણીની અવાક માત્ર ૧૨,૩૫૦ કયુસેક થઇ રહી છે. જયારે જાવક ૧૨,૦૦૦ કયુસેક થઇ રહી છે. એટલે હાલ છેલ્લા ૧૨ કલાકમાં માત્ર ૭ સે.મી.નો વધારો નોંધાયો છે. નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો છે પરંતુ જો વરસાદ હજુ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે. ૨૦૧૮માં જયારે નર્મદા બંધની જળસપાટી ૧૧૦ મીટર ગઈ હતી ત્યારે (IBPT ટનલ) ઇરીગેશન બાઈપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્ત્।મ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના ૨૭ ગેટ ખોલવાની ફરજ પડી હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે.

ડેમમાં ઓછું પાણી હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજયને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે. નર્મદા ડેમમાં હાલ ૩.૪૯ મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે ૪૫.૫૦ ટકા પાણીનો ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો ઊભા થવાની શકયતાઓ છે.

ડેમમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. હાલ વાપરી શકાય એટલું પાણી ૦.૫૫ MAF (એકર ફૂટ) એટલે ૧૧ ટકા જ છે, ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો હાલ ઉભા થયા છે.

નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગો ૧૨૫ કયૂસેક પાણી અપાય છે. રાજય સરકારે સિંચાઈ માટે કુલ ૩૬ હજાર ૫૦૦ મિલિયન કયૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. ઉત્ત્।ર ગુજરાતને ૨ હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને ૧૨ હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને ૨૫૦૦ એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને ૨૦ હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. ૯.૫ લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે. ત્યારે હાલ તો ગુજરાતની જીવાદોરી માથે જળસંકટ તોળાઈ રહ્યું છે. જો વરસાદ હજુ ખેંચાયો તો રાજયના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની જશે.

(2:56 pm IST)