Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

પડકાર જીલતી પોલીસઃ ટેકનિકલ સર્વેલન્સઃ બાતમીદારોની ફોજ પોલીસની વિવિધ ટીમો સાથે સતત દોડી રહી છે

ભાવનગરથી સુરત જતી બસમાં અઢી કરોડની લૂંટના પ્રયાસથી ખળભળાટ મચાવનાર ઘટનાઃ આરોપીઓ તુરંત ઝડપાઇ જશેઃ 'અકિલા' સાથે ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એલસીબી પીઆઈ જયરાજસિંહ જાડેજાની વાતચીત : એ શંકાસ્પદ કારમાંથી પ્રાથમિક તબક્કે કોઈ પુરાવા ન મળ્યાઃ કલીનર સફિભાઈ અને મુસાફર અનિલભાઈ ડાંગરની હિંમતે લૂંટારૂઓને નાશવાની ફરજ પડીઃ બે રાઉન્ડ ફાયરિંગ પણ લુટારુ દ્વારા થયા હતા

રાજકોટ તા.૨૫, ભાવનગરથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં વહેલી સવારે ભરૂચ ટોલ નાકાથી અંકલેશ્વર આલકેમ પાસે ૪ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા અઢી કરોડના હીરા લુટ પ્લાનને કલીનર તથા પેસેન્જર નિષ્ફળ બનાવવાના પગલે ફાયરિંગ કરવા સાથે જે પગલુંભર્યું તેને ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ટીમ દ્વારા પડકાર ગણી આરોપીઓને કોઈ પણ ભોગે પકડી પાડવા માટે વિવિધ ટીમ, ટેકનિકલ સર્વેલન્સ કામે લગાડવા સાથે બાતમીદારોની આખી ફોજ કામે લગાડી દીધી છે.

 અકિલા સાથેની વાતચીતમાં ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તથાં ભરૂચ એલસીબી પીઆઇ જયરાજસિંહ ઝાલાએ જણાવેલ કે આરોપીઓને પકડીને જ નિરાંતનો શ્વાસ લેવાનો અમારી સમગ્ર ટીમ દ્વારા દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો છે, આરોપીઓ દ્વારા નાશી છૂટવા માટે કાર સાથે રાખ્યાની શંકા આધારે એક કાર કબ્જે કરી પૂછપરછ કરેલ પણ તે કાર ગુન્હાહિત કૃત્ય સાથે સંકળાયેલ હોય તેવા કોઈ પુરાવા પ્રાથમિક દૃષ્ટિએ મળ્યા નથી.

 અત્રે યાદ રહે કે ભાવનગરની જય ગોપાલ ટ્રાવેલ્સની બસ ભાવનગરથી સુરત જવા નીકળી હતી, બસમાં ૪ આંગડિયા પેઢી સ્ટાફ સાથે ૩૬ મુસાફર હતા, બે લુટારુ પ્રથમથી જ આ બસમાં મુસાફર તરીકે ચઢેલ,એક લુટારુ પાણીની ટાંકી પાસેથી બેસેલ ઝાડેશ્વર ખાતે ૨ મુસાફર ઉતરી જતાં અન્ય મુસાફરને કેબિનમાં સુવડાવેલ. દરમિયાન એક કાર નજીક આવી અને બસ ધીમી પડતા કલીનર સિટ પર બેસેલ લુટારુ દ્વારા ડ્રાઈવરને રિવોલ્વર બતાવી કાર ઊભી રખાવેલ. કલીનર સફી ભાઈ તથા અનિલભાઈ ડાંગર નામના મુસાફરે હિંમતપૂર્વક કેબિનમાં જઇ દરવાજો બંધ કરી દીધેલ. લૂંટારુઓ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરતાં અનિલભાઇને ઇજા થયેલ. મુસાફરો દ્વારા બૂમરાણ મચાવતા લૂંટારુઓ નાશી છૂટ્યા હતા.

(12:51 pm IST)