Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

મગફળી માટે આફત ઉગી : વાવેતર સુકાવા લાગ્યુ

ચિંતાના વાદળો વચ્ચે દુષ્કાળની કુંપણો ફુટી : હવે વરસાદ આવે તો પણ ગયા વર્ષ જેટલી મગફળી નહિ થાય : છોડ સૂકાવાનું અને દાણા ચીમળાવાનું શરૂ : મગફળીમાં ઓછામાં ઓછા ૫૦ ટકા નુકસાનનો અંદાજઃ કપાસ માટે પણ જોખમ

રાજકોટ તા. ૨૫ :  રાજ્યમાં જુલાઇ મહિનામાં હાજરી પૂરાવ્યા બાદ મેઘરાજાએ મોઢું ફેરવી લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી અને કપાસની વાવણી કરવામાં આવી છે. મગફળીનું વાવેતર બળવા લાગ્યું છે.

કપાસના વાવેતર પર પણ જોખમ ઉભું થઇ ગયું છે. હવે બે-ચાર દિવસમાં વરસાદ થાય તો પણ મગફળીમાં ઓછામાં ઓછું ૫૦ ટકા નુકસાન થઇ ગયાનો અંદાજ છે. સિંચાઇની સુવિધાવાળા ખેડૂતોને રાહત છે.

કૃષિ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ અત્યારે મગફળીના પાક માટે વરસાદની સખત જરૂરીયાત છે. ઓગસ્ટમાં વરસાદ ન થતાં મગફળીના છોડ સુકાવા લાગ્યા છે. દાણા મોટા થતા અટકી ગયા છે. હવે થોડા દિવસમાં વરસાદ ન થાય તો મોટાભાગનું વાવેતર નિષ્ફળ જશે. વરસાદનો અભાવ કપાસ અને અન્ય ચોમાસુ પાકને પણ નુકસાન થશે. ગયા વર્ષ જેટલી મગફળી પાકવાની હવે કોઇ શકયતા રહી નથી. મગફળી ઓછી થવાથી સીંગતેલના ભાવ હજુ વધવાની શકયતા રહેશે.

રાજ્યમાં વરસાદ અટકી પડતા જુલાઇમાં થતી વાવણી બંધ થઇ ગઇ છે. ગયા વર્ષે ઓગસ્ટ ઉતરાર્ધ સુધીમાં ૮૦.૦૬ હેકટરમાં વાવણી થયેલ. આ વર્ષે આ સમયમાં ૮૦.૬૪ હેકટરમાં વાવણી થઇ છે. ગયા વર્ષની સરખામણીએ ૪૨ ટકા વરસાદ ઓછો છે. દુષ્કાળના ડાકલા વચ્ચે ખેડૂતો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે.

(11:43 am IST)