Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

દેશની ૬ લાખ કરોડની સંપતિ મુડીપતિ મિત્રોને પધરાવવાનું કાવતરૂ : અર્જુનભાઇ મોઢવાડિયાના પ્રહારો

કોંગ્રેસ પક્ષ દેશની મહામુલી સંપતિઓના વેંચાણને અટકાવવા બધા જ પ્રયાસો કરશે

ગાંધીનગર,તા.૧૬: દેશની ભાજપની ભાગીદારીવાળી પહેલી કેન્દ્ર સરકારે સોનું ગીરવે મૂકીને દેશને અદ્યોગતિમાં ધકેલ્યાં બાદ અને હવે પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ દેશની ૬ લાખ કરોડની મહામૂલી સંપત્તિ વેચવા કાઢવાનો રોડ મેપ બનાવીને ભાજપની કેન્દ્ર સરકારે કોંગ્રેસની સરકારોએ કરકસર કરીને ઊભી કરેલી અબજોની સરકારી સંપત્તિ તેમ જ દર વર્ષે અબજો રૂપિયા કમાવી આપતાં જાહેર સાહસોની સંપત્તિ પોતાના મૂડીપતિ મિત્રોને પધરાવવાનું કાવતરુ કર્યું હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે.

તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટે સામાન્ય રીતે દેશ માટે નવા મહત્વના પ્રોજેકટ કે લોકોપયોગી યોજનાઓની વડાપ્રધાન જાહેરાત કરતાં હોય છે. પરંતુ વર્તમાન વડાપ્રધાન મોદીએ દેશની ૬ લાખ કરોડની સંપત્તિ ખાનગી કંપનીઓને હવાલે કરી દેવાની જાહેરાત કરી છે. ગઇકાલે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને ૬ લાખ કરોડની રાષ્ટ્રીય સંપત્તિ વેચાણ માટે મૂકવાની જાહેરાત કરી છે.

આ વેચાણ માટે મૂકેલ સંપત્તિમાં ૧૬ લાખ કરોડના રસ્તા, રૂપિયા ૧૫ લાખ કરોડના ૪૦૦ રેલવે સ્ટેશન, ૧૫૦ ટ્રેઇન, ૬૭ હજાર કરોડની પાવર ટ્રાન્સમિશન લાઇન, ૨૪ હજાર કરોડની ગેસ પાઇપલાઇન, ૩૨ હજાર કરોડના વીજ ઉત્પાદક એકમો વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ એર ઇન્ડિયા, એલ.આઇ.સી. અને ભારત પેટ્રોલિયમ વેચવાનો નિર્ણય લેવાઇ ચૂકયો જ છે.

તેમણે વધુમાં કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, લોક કલ્યાણને વરેલી સરકારો સામાન્ય રીતે જનતા માટે ઉપયોગી માળખાકીય વ્યવસ્થાઓ ઊભી કરતી હોય છે. કોંગ્રેસની સરકારોએ રેલવે, રોડ, શૈક્ષણિક તથા વૈદ્યકીય સંસ્થાઓ, દવાખાનાઓ- બંદરો, એરપોર્ટ, જાહેર સાહસો, સંશોધન સંસ્થાઓ ઊભી કરી હતી.

કોંગ્રેસે ૭૦ વર્ષમાં શું કર્યું તેવો પ્રશ્ન પૂછનારાઓને વડાપ્રધાને લાલ કિલ્લા પરથી જ જવાબ આપી દીધો કે વર્તમાન ભાજપ સરકાર જે સંપત્તિઓ મૂડીપતિ મિત્રોને પધરાવી રહી છે તે તમામ મહામૂલી સંપત્તિનું સર્જન કોંગ્રેસની સરકારોએ જ કર્યું છે. નામ બદલવામાં શૂરવીર ભાજપ સરકારે જેવી રીતે ઉત્ત્।રપ્રદેશમાં શહેરોના નામ બદલ્યાં અને ગુજરાતમાં અમદાવદા મોટેરાના સરદાર પટેલ ક્રિક્રેટ સ્ટેડિયમ કર્યું તેમ મૈ દેશ નહીં ઝૂકને દૂંગા, મૈં દેશની નહીં બીકને દૂંગાની કવિતા વાંચનાર પોતે જ કાયરતાપૂર્ણ પગલું લઇને ચીન સામે અને અફદ્યાનિસ્તાનમાં તાલીબાનો સામે દેશને ઝૂકાવી દીધો છે. દેશને મૂડીપતિઓને હવાલે કરવાના ઇરાદાથી મોટાભાગની સંપત્તિઓ મૂડીપતિ મિત્રોને પધરાવીને રોકડાં કરી રહ્યાં છે.

તેમણે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું કે, રાજય સરકારોએ પણ પોતાની વીજ વિતરણ કરતી કંપનીઓ સહિતના જાહેર સાહસો અને બીજી સંપત્તિઓ વેચે તો તેને પ્રોત્સાહન આપવા માટે વધારાના ૫ હજાર કરોડનું પ્રોત્સાહક ફંડ પણ ઊભું કર્યું છે. આશ્યર્યજનક અને આદ્યાતજનક બાબત તો એ છે કે કેન્દ્ર સરકાર સામાન્ય રીતે માળખાકીય વ્યવસ્થાને મજબૂત કરવા માટે મેચીંગ ગ્રાન્ટ કે સહાય આપતી હોય છે. તેની જગ્યાએ જેટલી સંપત્તિ વેચાય તેના ૫૦ ટકા રકમ વગર વ્યાજની લોન તરીકે આપવાની ભાજપની કેન્દ્ર સરકારે તૈયારી બતાવી છે. ભાગ્યેજ કોઇ દેશમાં આવા પ્રકારના પ્રોત્સાહનો હશે.

અર્જુનભાઇ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદેશમાં ગીરવે મૂકેલું સોનું જે તે વખતની કોંગ્રેસની નરસિંહરાવની સરકારના નાણાંમંત્રી મનમોહનસીંદ્યે પરત લાવીને દેશને વિકાસના મોડ પર મૂકી દીધું હતું. તેનાથી વિરુધ્ધ વર્તમાન ભાજપની સરકાર દેશને વેચી રહી છે. જે હરગીઝ ચલાવી લેવાય નહીં. કોંગ્રેસ પક્ષ દેશની મહામૂલી સંપત્તિઓના વેચાણને અટકાવવા બધા જ પ્રયાસો કરશે.

(11:44 am IST)