Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ધોરણ-6 અને તેથી ઉપરના વર્ગો માટે શાળામાં ફરજિયાત અર્ધવાર્ષિક પરીક્ષા લેવાની મંજુરી આપો

એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કુલ્સ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી

ગાંધીનગર: રાજ્યમાં હાલમાં ઓનલાઈન શિક્ષણ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે ધોરણ-6 અને તેથી ઉપરના વર્ગો માટે શાળામાં ફરજિયાત અર્ધવાર્ષિક પરીક્ષા લેવાની મંજુરી આપવામાં આવે તે માટે એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કુલ્સ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. એક સાથે તમામ વિદ્યાર્થીઓ ન આવે તેના માટે સ્કૂલમાં વિદ્યાર્થીઓને 3 બેચમાં બોલાવી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે, CBSE સ્કૂલોમાં સપ્ટેમ્બર માસથી અર્ધવાર્ષિક પરીક્ષા શરૂ થવાની હોવાથી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા માટે જણાવાયું છે.

એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સના પ્રમુખ મનન ચોક્સીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે બાળક શૈક્ષણિક રીતે પાછળ પડી રહ્યું હોય ત્યારે શાળાઓ અને વાલીઓ યોગ્ય સુધારાત્મક નિર્ણયો લેતા હતા. ઓનલાઈન શિક્ષણના લીધે બાળકો પોતે જ માહિતગાર નથી કે આવતા વર્ષે ઉપલા વર્ગમાં પ્રવેશ મેળવવા માટે તેમણે લઘુત્તમ પાયાનું જ્ઞાન મેળવ્યું છે કે નહીં ?

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડની સ્કૂલો માટે અર્ધવાર્ષિક પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાનાર છે. આ રીતે પરીક્ષા લેવાથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાઓને અભ્યાસમાં નબળા પડેલા વિદ્યાર્થીઓ તથા તેમને સંલગ્ન મુદ્દા વિશે જાણવા મળશે. જેથી તે દિશામાં જરૂરી પગલાં લઈ શકાય. સમસ્યા કેટલી ગંભીર છે તે જાણવા માટે અમે શાળા અને વિદ્યાર્થીઓના અગાઉના વર્ષના પરિણામોની સરખામણી કરી શકીએ છીએ. પરીક્ષાઓની સત્વરે જાહેરાત કરવાથી વિદ્યાર્થીઓ ગંભીર બનશે અને તેમને તૈયારી કરવા માટે પૂરતો સમય મળશે.

એસોસીએશન દ્વારા દરેક દિવસે ત્રણ બેચમાં પરીક્ષાનું આયોજન કરવાની યોજના રજુ કરી હતી. જેથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની એક સાથે હાજરી ન થાય. સ્કૂલોમાં ક્ષમતાના 33 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર નહીં રહે તેવી પણ બાંહેધરી આપી છે. જો થોડાક મહિના પૂરતું રાબેતા મુજબ ફરીથી શાળાઓ ન ખોલીએ તો પણ માત્ર નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જ બોલાવી તેમને જરૂરી શિક્ષણ આપી શકીએ છીએ તેમ પણ રજૂઆતમાં જણાવાયું હતું.

જો શાળાઓ ફરીથી શરૂ કરી શકીએ તો જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણા પાછળ રહી ગયા છે તેમને ઝડપથી બીજા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર સુધી લઈ જવા માટે વધારાના વર્ગો પણ પૂરા પાડી શકીએ છીએ. સરકાર સામે ઘણા પડકારો છે ત્યારે એસોસીએશન દ્વારા ફરીથી વર્ગો શરૂ કરવા માટે દબાણ કરવામાં આવ્યું નથી. પરંતુ જો પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવે તો ભવિષ્યમાં ઓનલાઈન કે ઓફલાઈન વર્ગો વધુ અસરકારક રીતે ચાલુ રાખવાની માહિતી મળી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

(12:22 am IST)