Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

કામરેજના જોખાના સરપંચ આવાસના કામ આપવા 50 હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં સપડાયો

અવેજ પેટે ફરિયાદી પાસેથી અગાઉ બે વખત અનુક્રમે રૂ. 11 હજાર અને 40 હજાર રૂપિયા લીધા હતા

સુરત જિલ્લા ના કામરેજ તાલુકાના જોખા ગામના સરપંચ હિતેશ કાંતિલાલ જોષી 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપતા ચકચાર મચી ગઇ છે. તેઓ કામરેજ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. જેને લઈને ભાજપનું આંતરિક રાજકારણ પણ ગરમાયુ છે.

જોખા ગામના સરપંચ હિતેશ કાંતિલાલ જોષીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોખા ગામના લાભાર્થીઓના મંજુર આવાસ બનાવી આપવાનું કામ આપવાની અવેજ પેટે ફરિયાદી પાસેથી અગાઉ બે વખત અનુક્રમે રૂ. 11 હજાર અને 40 હજાર રૂપિયા લીધા હતા. બાદમાં ગતરોજ સરપંચ હિતેશ જોષીએ ફરિયાદીને ઘરે બોલાવી વધુ 50 હજાર રૂપિયાની માગ કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોય તેમણે એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે ACBએ મંગળવારના રોજ છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસે 50 હજાર રૂપિયા લેતા જ સરપંચ હિતેશ જોષીને ACBની ટીમે રંગે હાથ પકડી લીધો હતો. ACBએ સરપંચને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:39 pm IST)