Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ :અધિકારીઓના કારણે ગેરમાર્ગે દોરવાઈ ગયેલા શિક્ષણમંત્રી રાજીનામું આપે : શૈક્ષિક સંઘ

90 ટકાથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટીનો વિરોધ કર્યો: પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી સમયમાં વધુ આક્રમક આંદોલનની ચીમકી

અમદાવાદ : શિક્ષક સજ્જતા સર્વેક્ષણની આજ રોજ પરીક્ષા લેવામાં આવી હતી જેનો શિક્ષક સંધ સહિત શિક્ષકો મોટાપાયે વિરોધ કરી ચૂક્યા છે. મોટાભાગના શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે એક અનુમાન મુજબ ગુજરાતનાં 2 લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી 56000 શિક્ષકોએ જ પરીક્ષા આપી છે બાકીના શિક્ષકો પરીક્ષાથી અળગા રહ્યા છે.જ્યારે 95% શિક્ષકો પરીક્ષા ન આપી હોવાનો શૈક્ષિક સંઘ દાવો કરી રહ્યું છે. 

પરીક્ષાના વિરોધ બાદ શૈક્ષિક સંઘે પત્રકાર પરિષદ કરી પોતાની વાત મૂકી છે,રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલે કહ્યું હતું કે 90 ટકાથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટીનો વિરોધ કર્યો છે, અધિકારીઓના કારણે શીક્ષણમંત્રી ગેરમાર્ગે દોરાય ગયા, સરકારના પરિપત્રમાં ફરજિયાત કે, મરજિયાતનો ઉલ્લેખ ન હતો. CCCની પરીક્ષામાં પણ આવી જ સ્થિતિ હતી, અમે સર્વેક્ષણનો રસ્તો બતાવ્યો હતો પણ મેરીટ પર આવતા શિક્ષકોની સર્વેક્ષણના નામે કસોટી ન કરી શકાય. વધુ તેમને કહ્યું હતું કે શિક્ષકોએ સર્વેક્ષણનો વિરોધ કરીને 2 લાખ શિક્ષકોનું સ્વાભિમાન બચાવ્યું છે કારણ કે શૈક્ષિક સંઘની વાત શિક્ષણમંત્રી માનતા ન હતા જ્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના કેટલાક લોકોનું શિક્ષણમંત્રી સાંભળે છે પણ અધિકારીઓ તેમને ગેરમાર્ગે લઈ જાય છે.

પરીક્ષા બાદ શિક્ષણ સર્વેક્ષણ મુદ્દે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં પરીક્ષામાં બેઠેલા શિક્ષકો અને પરિવારનો આભાર માન્યો હતો. ગાંધીનગર સ્ટાફ સહિતનો કર્મચારીઓને આ કામમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા હતા. ગાંધીનગર સેક્ટર-20માં આવેલી સરકારી શાળામાં 36માંથી 32 શિક્ષકોએ પરીક્ષા આપ્યો હોવાની વાત પણ તેમને ટાંકી હતી તેમજ કહ્યું હતું કે ક્વોલિટી એજ્યુકેશન તમામ જગ્યાએ જરૂરી છે, શિક્ષણ સર્વેક્ષણનું કામ ચાલુ થઇ ગયુ છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા ગુજરાતે કરેલી પહેલ અન્ય રાજ્યો પણ કરશે તેવો દાવો પણ કર્યો છે. ત્યારે હવે સરકાર સર્વક્ષણ મુદ્દે પાછી પાની કરવાના મૂડમાં ન હોવાનું દેખાઈ આવે છે જ્યારે શિક્ષકો હવે વધુ ઉગ્ર રીતે વિરોધ કરે તેવી ચીમકી શૈક્ષણિક સંધ ઉચ્ચારી રહ્યું છે.
ઘનશ્યામ પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીમકી ઉચ્ચારી હતી કે  2 લાખ શિક્ષકો સમાજનું રચનાત્મક કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવણી કરીશું.  હું RSSમાંથી આવ્યો છું. અમે શિક્ષણ મંત્રી આજે જ રાજીનામું આપે તેવી માંગ કરીએ છીએ. જો આવતીકાલથી અમારા પ્રશ્નોનોનો નિકાલ નહિ આવે તો અમે આગામી સમયમાં વધુ આક્રમક રીતે આંદોલન કરવાના છીએ. સરકાર ગુરુદેવોની વાત સાંભળી જોઈએ 2 લાખ શિક્ષકોમાંથી માત્ર 56000 શિક્ષકોએ જ પરીક્ષા આપી છે ત્યારે જો આગામી 3 દિવસમાં શિક્ષકોની વાતને સરકાર દ્વારા માની નહીં લેવામાં આવે તો હવે રસ્તા પર ઉગ્ર વિરોધ કરવાનું આયોજન છે.
ઘણા દિવસથી શિક્ષકો પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે જેના ભાગ રૂપે સરકાર દ્વારા આયોજિત પરિક્ષાનો અમદાવાદના શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. અમદાવાદના 87 કેન્દ્રોમાંથી મોટા ભાગના ખાલીખમ દેખાયા હતા. શિક્ષકો પરિક્ષા સેંટ સુધ્ધાં પણ આવ્યા ન હતા મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોઈ શિક્ષકે પરીક્ષા આપી નથી. વડોદરા શિક્ષણ સમિતિના 900 શિક્ષકોએ પરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો છે. શિક્ષક સંઘે પરીક્ષા ન આપવાની જાહેરાત કરી છે. શિક્ષકોએ કહ્યું કે અમે તમામ પરીક્ષાઓ આપીને નોકરીમાં આવ્યા છીએ. અને શિક્ષકોની સજ્જતાની અવારનવાર કસોટી થતી જ હોય છે.તો બીજી તરફ મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે શિક્ષિકા ઉષાબેન પટેલે પરિક્ષા આપી હતી. શિક્ષક સજ્જતા પરિક્ષામાં આખા વડોદરા શહેરમાંથી એક જ શિક્ષક કલાસમાં હાજર રહ્યા હતા.સુરતમાં પણ  શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સુરતમાં 4 હજાર જેટલા શિક્ષકો પરીક્ષાનો ન આપી સરકારના આયોજન પર પાણી ફેરવી દીધું છે. સુરતમાં પરીક્ષા માટે 44 સેન્ટરો તૈયાર કરાયા હતા જેમાં ઓએમઆર સીટો તો મુકાઇ ગઈ હતી પણ પરીક્ષા આપનાર શિક્ષકો ગાયબ હતા. જો રાજકોટ જિલ્લાની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીની વાત કરવામાં આવે તો, રાજકોટમાં પરીક્ષા આપવા વાળા અને ન આપવા વાળ શિક્ષકોના બે ફાંટા જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી વધુ શિક્ષકો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા તેવું પ્રાથમિક અનુમાનમાં જણાય આવે છે. ગુજરાત અન્ય કેન્દ્રો પર થોડાઘણા પ્રમાણમાં શિક્ષકોએ પરિક્ષા આપી હતી.

(10:03 pm IST)