Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

જીટીયુ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ કુલ 20 કોર્સ શરૂ કરાયા

પી.એચડી કરનારને રૂ. 25000 અને પોસ્ટ ડૉક્ટરેટ કરનારને રૂ. 50000ની ફેલોશીપ પ્રતિમાસ જીટીયુ તરફથી અપાશે

અમદાવાદ :કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક શાખના વિદ્યાર્થીઓને અન્ય શાખનું પણ જ્ઞાન મળી રહે તે બાબતની યોગ્ય પ્રણાલિ વિકસાવવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે જીટીયુ અને પુનાના ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ , ઈતિહાસ અને વારસાના 12 શોર્ટટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પી.એચડી કરનારને રૂપિયા 25000 અને પોસ્ટ ડૉક્ટરેટ કરનારને રૂપિયા 50000ની ફેલોશીપ પ્રતિમાસ જીટીયુ તરફથી આપવામાં આવશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે , વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં દરેક પ્રકારના ટેક્નિકલ , નોન ટેક્નિકલ અને આપણા ઈતિહાસ, સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરતાં કોર્સ શરૂ કરવા જોઈએ.
સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી શિક્ષણ નીતિમાં પણ ભારતીય જ્ઞાન પરંપરાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતાં અભ્યાસક્રમો અને કાર્યક્રમો શરૂ કરવાનો છે.
ધરોહરના ઇન્ચાર્જ તથા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રાધ્યાપક સારીકા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “જીટીયુ ધરોહર” અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સ્ટડી ઑફ વેદાંસ , પ્રાચીન ભારતીય વાસ્તુકલા , ભારતીય કલા , સ્ટડી ઑફ પુરાણ , પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા , વૈદિક સંસ્કૃત્તિ , સ્ટડી ઑફ ઉપનિષદ , ભારતીય સંસ્કૃત્તિ ,પ્રાચીન ભારતીય વિજ્ઞાન , પ્રાચીન ભારતીય સાહિત્ય અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. રસ ધરાવતાં તેમજ કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ આ કોર્સનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરી શકશે. આમાં કોઇ વયમર્યાદા નથી.

વધુમાં ડો. નવીન શેઠે જણાવ્યું છે કે, જીટીયુ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન પણ 8 નવા સર્ટીફિકેટ કોર્સથી લઈને માસ્ટર્સ લેવલના ટેક્નિકલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ફાર્મસી , એન્જીનિયરીંગ, આઈઓટી અને સાયબર સિક્યોરીટીઝ જેવા ક્ષેત્રના નવા કોર્સ , વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદાકારક થશે. ગુજરાત ફાર્મા હબ છે, તે જોતાં રોજગારની તકો પણ વિપુલ પ્રમાણ રહેલી છે. જેથી કરીને જીટીયુ દ્વારા બાયોટેક્નોલોજી માટે અનુક્રમે 2 અને 1 વર્ષનો કોર્સ એમએસસી ઈન ઈન્ડસ્ટ્રીયલ બાયોટેક્નોલોજી અને પીજી ડિપ્લોમા ઈન બાયો ઈન્ફોર્મેટીક્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લાઈફ સાયન્સની કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી અરજી કરી શકશે. ધોરણ 12 સાયન્સ પાસ વિદ્યાર્થીઓ માટે પણ 5 (3+2) વર્ષ માટે ઈન્ટીગ્રેટેડ એમએસસી કૉમ્યુટર સાયન્સનો કોર્સ શરૂ કરાયો છે

(10:01 pm IST)