Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

દાંતમાં દુખાવો છતાં કોરોનાના ડરે યુવકે જીવન ટૂંકાવી લીધું

કોરોના વોર્ડમાં દાખલ કરાશે એવો ડર હતો : દાંતમાં અસહ્ય દુઃખાવો ઉપડયા બાદ યુવકે કંટાળીને તેણે જાતે માથામાં ગ્લાસ મારીને માથું દીવાલ પર પછાડ્યું

સુરત, તા.૨૫ : શહેરમાં એક યુવાને કોરોનાના ડરને લીધે જીવ ગુમાવ્યો છે. લિંબાયતના યુવાનને દાઢમાં દુઃખાવો થયો હતો. પણ તેને ડર હતો કે તેને કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે. જેથી સારવાર માટે ગયો હતો. બાદમાં દાઢના દુઃખાવાથી કંટળીને જાતે માથામાં ગ્લાસ મારી અને દીવાલ સાથે માથું અથડાવીને જીવન ટૂંકાવ્યું હતું. સુરતના ગોડાદરામાં આસપાસ વિસ્તારમાં આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતા મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલમાં કાપડના લુમ્સ ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો ૨૮ વર્ષીય બેજનાથ મિતેષભાઇ પટેલે ગત રાતે ઘરમાં જાતે માથામાં ગ્લાસ માર્યા બાદ દીવાલ સાથે માથું અથડાવતા ઇજા થઇ હતી. જે બાદમાં તેને સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં લઇ ગયા હતા.

            જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો. બેજનાથને છેલ્લા અઠવાડિયાથી દાઢમાં દુઃખાવો થતો હતો પણ તેને એવો ડર હતો કે, દાઢની સારવાર માટે જશે તો તેને કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે. ડરના લીધે તે સમયસર દાઢ કે દાંતની સારવાર કરાવવા ગયો હતો. ગઇકાલે તેને દાઢ અને દાંતમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. જેથી કંટાળીને તેણે જાતે માથામાં ગ્લાસ મારીને માથું દીવાલ સાથે અથડાવી દીધું હતું. જેમાં તેને ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. યુવાને કોરોનાના ડરને કારણે આવું પગલું ભર્યું હોવાનું લિંબાયત પોલીસને પરિવારે જણાવતા પોલીસે મામલે વધારે તપાસ શરૂ કરી છે.

(8:02 pm IST)