Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

લાંચના ૪૦ લાખ શ્વેતા જાડેજાના ફરારી બનેવી પાસે હોવાનું પુરવાર થતા ધરપકડ વોરંટ

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચકચારી બનેલા ઇન્ચાર્જ મહિલા પીઆઇના લાખોની લાંચ પ્રકરણમાં નવો વળાંક : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના સુચનથી કાર્યવાહી ગતીમાં: દેવેન્દ્રભાઇ ઓડેદરાની મિલ્કત જપ્તી સુધી કાર્યવાહી માટેની તૈયારીઓ

રાજકોટ, તા., ૨૫:  સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતભરમાં ચકચારી બનેલા અમદાવાદના ઇન્ચાર્જ મહિલા પોલીસ ઇન્સ્પેકટર શ્વેતા જાડેજાના ૪૦ લાખથી વધુ  રકમની લાંચના આરોપસરના ચકચારી મામલામાં અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શ્વેતા જાડેજાના બનેવી સામે સીઆરપીસી કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી દેવેન્દ્રભાઇ ઓડેદરાની ધરપકડ કરવાની કાર્યવાહી પુરજોશમાં ચાલુ કરી છે.

અત્રે યાદ રહે કે અમદાવાદના નવનિયુકત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે લોકોમાં ખોટા મેસેજ ન જાય તે માટે ઉકત મામલામાં કાયદેસરની તમામ કાર્યવાહી કરવા એસઓજી સુચના આપી હતી.

એસઓજી દ્વારા જામજોધપુર ખાતેના આંગળીયા પેઢીના કર્મચારી ભુપેન્દ્ર ઠક્કર તથા જયવીરસિંહ ચુડાસમાના સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ નિવેદન નોંધી આરોપીએ નાણા સ્વીકાર્યાનું સાબીત થતા નાસતા ફરતા આરોપી દેવેન્દ્રભાઇ પાસે લાંચની રકમ હોવાની રજુઆત આધારે કોર્ટમાંથી વોરંટ મેળવ્યું છે.

પોલીસ કમિશ્નર કચેરીના ટોચના સુત્રો દ્વારા આરોપી દેવેન્દ્રભાઇ સામે સીઆરપીસીની કલમ ૭૦ મુજબ વોરંટ બાદ પણ તે હાજર નહિ થાય કે મળી નહી આવે તો તેની સામે મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

(1:08 pm IST)