Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેમ્પસમાં હવે મુસાફરો વાનગીઓ માણી શકશે

અદાણી ગ્રૂપ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર 3 વિશેષ ફૂડવાન ડોમેસ્ટિક એરપોર્ટ પર શરૂ કરાયા

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ એરપોર્ટ પર મુસાફરોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે હેતુ થી અદાણી ગ્રૂપ દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવનારા મુસાફરો માટે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરોની સાથે તેમના સ્વજનો કે જે પિકઅપ કે ડ્રોપ માટે અમદાવાદ એરપોર્ટ આવ્યા છે તેઓ પણ વિવિધ વાનગીઓનો આંનદ માણી શકશે.

અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરોને જો ટ્રાવેલિંગ દરમ્યાન અથવા ટ્રાવેલિંગ પહેલા ભૂખ લાગી હોય તો ટર્મિનલની અંદરના ફૂડ સ્ટોલમાંથી જ વિવિધ વાનગીઓ મળી રહેતી હતી. તે સિવાય અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નહોતો.આ સાથે જ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પિકઅપ કે ડ્રોપ કરવા માટે અમદાવાદ એરપોર્ટ આવેલા સ્વજનો પાસે તો નાસ્તો કરવા માટે કોઈ વિકલ્પ જ નહોતો જેને ધ્યાને લઈને અદાણી ગ્રૂપ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર 3 વિશેષ ફૂડવાન ડોમેસ્ટિક એરપોર્ટ પર શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર શરૂ કરવામાં આવેલ ફૂડ કોર્ટથી મુસાફરોના પેટ તો ભરાઈ જશે પણ ફૂડ કોર્ટમાં વિવિધ સ્નેક્સ તેમજ વાનગીઓનો રાખવામાં આવેલ ભાવથી મુસાફરોના ખિસ્સા પણ ખાલી થઈ જાય તો નવાઈ નહિ. કારણ કે એરપોર્ટ પર ઉભા કરવામાં આવેલ ફૂડ કોર્ટમાં વિવિધ વાનગીઓનો ભાવ સામાન્ય ફૂડ કોર્ટ કરતા વધારે રાખવામાં આવ્યો છે.

સામાન્ય ફૂડ સ્ટોલ કરતા અમદાવાદ એરપોર્ટ પર બનાવવામાં આવેલ ફૂડ સ્ટોલ પર મળતી વિવિધ વાનગીઓ તેમજ સ્નેક્સની કિંમતમાં વધારે રાખવામાં આવી છે જો કે એરપોર્ટ પર ઉભા કરવામાં આવેલા આ ફૂડવાનમાં તૈયાર કરવામાં આવતી વાનગીઓ સંપૂર્ણ હાઇઝીન કન્ડિશનમાં અનુભવી શેફ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી મુસાફરોને કોરોનાકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત જમવાનું તેમજ સ્નેક્સ મળી રહેશે.

(11:57 am IST)