Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

“આવો મેદાનમાં ખુલ્લી ચર્ચા કરવા” :સાંસદ મનસુખ વસાવાએ આપી છોટુભાઈ વસાવાને ખુલ્લી ચેલેન્જ

આક્ષેપ-પ્રતિ આક્ષેપ બાદ જાહેરમાં ચર્ચા કરવાની ખુલ્લી ચેલેન્જ આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ

રાજપીપળા: ભાજપનાં સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાએ BTP MLA છોટુભાઈ વસાવાને જાહેરમાં ચર્ચા કરવાની ખુલ્લી ચેલેન્જ આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. ભરૂચ લોકસભામાં મનસુખભાઈ અને છોટુભાઈ વસાવા સામસામે ચુંટણી લડે છે એ વખતે જેવું વાતાવરણ બને છે એવું જ વાતાવરણ મનસુખભાઈ વસાવાની ચેલેન્જ બાદ બન્યું છે.

સમગ્ર બાબત એવી છે કે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સીએમ રૂપાણીને BTP સરકારી જમીનો પચાવી પાડે છે એવાં આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. તો સામે છોટુભાઈ વસાવાએ પણ મનસુખભાઈને વળતો જવાબ આપ્યો હતો કે મનસુખભાઈએ છુપાઈને નિવેદન-રજૂઆતો કરવાની જગ્યાએ જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. ગુજરાત સરકારે ગૌચરો સહિત સરકારી પડતર જમીનો અને સહકારી મંડળીઓના તાબા હેઠળની જમીનો જે તે મંત્રીઓનાં મેળાપીપણાથી કરવામાં આવી છે એની CBI ટીમની રચના કરી મનસુખભાઈએ તપાસ કરાવવી જોઈએ. ઝઘડિયાની જ 700 એકરની ગૌચર જમીનમાં દબાણ ભાજપ સાંસદ ખુલ્લું કરાવે.

હવે છોટુભાઈ વસાવાની ખુલ્લામાં ચર્ચા કરવાની ચેલેન્જ મનસુખભાઈ વસાવાએ સ્વીકારી છે. મનસુખભાઈએ છોટુભાઈ વસાવાને એક પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, “હું 27/07/2020 નાં રોજ ભરૂચ કલેકટર કચેરી, ભરૂચ જિલ્લા પંચાયત પટાંગણ, APMC ઝઘડિયા હોલ અથવા વાલિયા તાલુકાનાં કોઈ પણ સ્થળમાંથી કોઈ પણ સ્થળે તમે કહેશો ત્યાં હું ખુલ્લામાં ચર્ચા કરવા તૈયાર છું. હું સમયસર 12 વાગ્યે તમે કહેશો ત્યાં આવી જઈશ તમે હાજર રહેજો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ વસાવાનાં આમંત્રણ બાદ છોટુભાઈ વસાવા જાહેરમાં ચર્ચા કરવા આવે છે કે કેમ અને જો આવશે તો ગરમ માહોલ બનવાનાં એંધાણ વચ્ચે ભરૂચ જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.”

 

મનસુખભાઈ વસાવાએ છોટુભાઈ વસાવાને આ પ્રશ્નો બાબતે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું…

●મોવી સરકારી સ્કૂલની રમત-ગમતની જમીન બાબતે
●મોવી ચોકડી હાઈસ્કૂલ સામે ગેરકાયદેસર શોપિંગ સેન્ટરના બાંધકામ બાબતે
●ઝઘડિયા તાલુકાના વાસણા ગામ નજીક નર્મદાના અસરગ્રસ્તોને ફળવાયેલી જમીન કોણ 20 વર્ષથી ખેડે છે
●તમારો પ્રશ્ન છે કે જિલ્લામાં 8 (અ) જમીનના નમૂના કઢાવી 1935 ની સાલમાં બનેલી પ્લોટબુકમાં જઈ જમીનોના મૂળ માલિકોને સાબિત કરવા.સરકારી ગૌચર, સરકારી પડતર જમીનોનું હજારો એકરના દબાણો જેવા જિલ્લાના અન્ય પ્રજાહિતના બધા જ પ્રશ્નો હું ખુલ્લામાં ચર્ચા કરીશ.

(9:52 pm IST)