Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કોરોનાને અમદાવાદમાં વધુ પ્રસરતો રોકવા કોર્પોરેશન તંત્ર એકશન મોડમાં: હોટલ અને સાર્વજનિક સ્‍થળોએ કોરોના ટેસ્‍ટીંગ કામગીરી

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વિસ્ફોટ થઈ રહ્યો છે. આવામાં કોરોનાના કેસને કાબૂમાં રાખવું જરૂરી બની ગયું છે. ત્યારે એએમસી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. એએમસી તંત્ર દ્વારા હવે કોરોનાનું સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે. એએમસી દ્વારા હવે વ્યાપક ટેસ્ટીંગ શરૂ કરાયા છે. જેથી વધુને વધુ કોરોનાના કેસ સામે આવી શકે છે. તેમજ કોરોનાના સંક્રમિતોને રોકી પણ શકાય. તો આ સાથે જ નવી રણનીતિમાં ધાર્મિક સ્થળો, ખાનગી હોટલ તથા સાર્વજનિક સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરાઈ છે. Amc દ્વારા પોતાના સફાઈ કર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે.

કોરોના સંક્રમણ રોકવા amc એ જે નવી રણનીતિ બનાવી છે તે મુજબ આજે ખાનગી હોટલના સ્ટાફનું ટેસ્ટીંગ શરૂ કરાયું છે. ભૂતકાળમાં આ હોટલો કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હતી. ત્યારે હોટલનો સ્ટાફ સંક્રમિત છે કે નહીં એ ચકાસણી શરૂ કરાઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણે આ વિશે જણાવ્યું કે, અમદાવાદની કેટલીક હોટલોએ કોવિડ કેર સેન્ટર તરીકેની ફરજ બજાવી હતી. અનેક દર્દીઓ ક્વોરેન્ટાઈન માટે આ હોટલોની સુવિધા મેળવી હતી. ત્યારે હવે આ હોટલોના સ્ટાફનું ચેકિંગ કરાઈ રહ્યું છે.

તો કોરોના મામલે amcએ શહેરના ધાર્મિક સ્થળો પર રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યાં છે. ગઈકાલે 564 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 6 કેસ પોઝિટિવ મળ્યા છે. આજે પણ શહેરભરમાં ટેસ્ટિંગ યથાવત છે. આજે પણ અમદાવાદમાં અનેક મંદિર, મસ્જિદ સહિત અનેક ધાર્મિક સંસ્થાનો પર ટેસ્ટીંગ કરાયા છે. આજે સવારથી પશ્ચિમ ઝોન અને અન્ય ઝોનમાં ટેસ્ટ શરૂ કર્યા છે. શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં આશરે 50 જેટલા સંતો સહિતના લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પણ સંતોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સાથે જ રાણીપ ગાયત્રી મંદિર, સાબરમતી કૈલાદેવી મંદિર, દેરાસરમાં ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. શહેરના સાત ઝોનમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.

(4:47 pm IST)