Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પેટાચૂંટણીમાં મતદાન મથકો અને સ્ટાફ ૪૦ ટકા વધશે : ઉપરાંત રપ ટકા સ્ટાફને ખડેપગે રખાશે

૮ ધારાસભાની ચૂંટણી અઠવાડિયામાં જાહેર થવાની ગણતરી મુજબ તૈયારી : મતદારો માટે તાપમાન ચકાસણી, હાથ સફાઇ ફરજિયાત : કન્ટેન્મેન્ટ ઝોન માટેનો નિર્ણય બાકી

રાજકોટ, તા. રપ :  કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી પાછી ઠેલવા બાબતે કોઇ સુચના આપી નથી તેથી આવતા અઠવાડીયા સુધીમાં ચૂંટણી  કાર્યક્રમ જાહેર થવાની ધારણા મુજબ ચૂંટણી પંચના ગુજરાત એકમ દ્વારા તૈયારી આગળ વધારવામાં આવી રહી છે. કોરોના પછી પ્રથમ વખત સીધો જનાદેશ માગવાની ચૂંટણી આવી હોવાથી આ વખતે વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.

રાજયમાં મોરબી, અબડાસા, લીંબડી, ધારી, કરજણ, કપરાડા, ગઢડા અને ડાંગમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. સામાન્ય રીતે ૧ર૦૦ થી ૧૪૦૦ મતદારો દીઠ એક મતદાન મથક રાખવામાં આવતુ હોય છે. આ વખતે સોશ્યલ ડીસ્ટન્સીંગ ની જરૂરીયાત ધ્યાને રાખી મહતમ ૧૦૦૦ મતદારોનું મતદાન મથક રાખવાનું નકકી થયું છે. મતદારોની બુથ દીઠ સંખ્યા ઘટાડવામાં આવી હોવાથી બુથની કુલ સંખ્યામાં ૪૦% જેટલો વધારો થશે. સ્ટાફ પણ એટલો જ વધારવો પડશે. દર વખતે જરૂરીયાત કરતા ૧૦% સ્ટાફ વધારાનો (અનામત) રાખવામાં આવતો હોય છે. આ વખતે ૧૦% ના બદલે રપ% સ્ટાફ વધારાનો રાખવામાં આવશે અને ચૂંટણી પૂર્વે તાલીમ આપવામાં આવશે.

દરેક મતદાન મથકમાં મતદારનું થર્મલ સ્કેનીંગ થશે. જો શરીરનું તાપમાન વધારે હશે તો તે વખતે મતદાન કરવા દેવામાં આવશે નહીં. દરેક મતદારે ફરજીયાત હાથ સેનેટાઇઝ કરવા પડશે. તેના માટે પંચ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.  કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવતા મતદારો માટેનો નિર્ણય હજુ જાહેર થયો નથી. ચૂંટણી પંચનું રાજય એકમ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની અને વર્તમાન સમયને અનુરૂપ ગાઇડલાઇનની રાહમાં છે.

(3:58 pm IST)