Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક સહાય માટે ૧ વર્ષ સુધીમાં અરજી કરવાપાત્ર

અમદાવાદ,તા.૨૫ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવા કર્મયોગીઓના આશ્રિતોને મોટી રાહત આપતો આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે રાજય સેવાના વર્ગ-૩ અને ૪ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી.

 રાજય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો અભિગમ અપનાવેલો છે. તદઅનુસાર, સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે.

 મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડ/દસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે.

મુખ્યમંત્રીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવી આવા સંજોગોમાં દિવંગત કર્મચારીના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટે સરકારમાં કરવાની થતી અરજીનો સમય ૬ માસથી વધારી ૧ર માસ એટલે કે ૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે.

(11:49 am IST)