Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પંચાયત સેવા વર્ગ-૩ ની સીધી ભરતીમાં પ્રતિક્ષાયાદી હવે ર૦ના બદલે ૩પ%

ખાસ કિસ્સાને ધ્યાને રાખીને સરકારનો પરિપત્ર : નોકરીની આશા છોડી દેનારા ઘણા ઉમેદવારો માટે તકના દ્વાર ખૂલશે

રાજકોટ તા. રપ :.. રાજયના પંચાયત સેવા વર્ગ-૩ ની સીધી ભરતીમાં રાખવામાં આવતી પ્રતિક્ષાયાદીનું કદ ખાસ કિસ્સામાં વધારવા અંગે પંચાયત વિભાગ દ્વારા સંયુકત સચિવશ્રી જયદીપ દ્વિવેદીની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે જોગવાઇઓ પરત્વે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સંદર્ભ (૩) દર્શિત તા. રપ-૯-ર૦૧૯ ના પત્રથી પંચાયત સેવા વર્ગ-૩ માટેની પ્રતિક્ષા યાદી-એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટની મર્યાદા વધારવા દરખાસ્ત કરવામાં આવેલ. જેમાં જણાવ્યા મુજબ પંચાયત સેવા વર્ગ-૩ માં પસંદગી પામેલ કર્મચારીઓ રાજય સરકાર-ભારત સરકારની અન્ય સેવામાં પસંદગી પામતા તેઓ નોકરી છોડી જતા રહેતા હોય છે. જેના કારણે મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી રહેવા પામે છે. ભરતી કેલેન્ડર મુજબ સમયસર ભરતી પ્રક્રિયા માટે મોટા પ્રમાણમાં માનવબળ, સમય અને નાણાકીય આયોજનની જરૂરીયાત રહેવા  પામતી હોય છે. એક ભરતી પ્રક્રિયા પુર્ણ થવામાં લાગતો સમય, નાણાનો વ્યય અને માનવબળ વગેરે પરિબળોના અંતે પણ નિયત  થયેલ જગ્યાઓ પસંદગી યાદી તેમજ ર૦ ટકા પ્રતિક્ષાયાદી ઓપરેટ કરવા છતાં ખાલી રહેવા પામે છે. તેમજ જનહિતના કામોનો સમયબધ્ધ નિકાલ થાય તે માટે ખાલી રહેવા પામેલ જગ્યાઓ સમયસર ભરાય તે પણ ખૂબ જ અનિવાર્ય છે.

પ્રસ્તુત બાબતે સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાના અંતે નિર્દિષ્ટ કરાયેલ વિશિષ્ટ સંજોગો ધ્યાને લેતા, પંચાયત સેવાના વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની સીધી ભરતી અન્વયે પ્રતિક્ષા યાદી, એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટરનું કદ એક ભરતી પ્રસંગ માટે ખાસ કિસ્સામાં ૩પ ટકા  સુધી રાખવાનું ઠરાવવામાં આવે છે અને સીધી ભરતીમાં રાખવામાં આવતી પ્રતિક્ષા યાદીની મુદત અને ઉપયોગ બાબતની સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૦-૮-ર૦૧૬ ના ઠરાવની તથા તા. ર૭-૭-ર૦૧૮ ના ઠરાવની જોગવાઇઓ યથાવત રહેશે.

(11:41 am IST)