Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

તહેવારો પૂર્વે તેલનો ખેલઃ સિંગતેલનો ભાવ ર૦૦૦ની સપાટી વટાવશે

નાફેડ દરમિયાનગીરી ન કરે તો મગફળીની અછત ઊભી થશે

અમદાવાદ તા. રપ :.. તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ તેલનો ખેલ શરૂ થઇ ગયો છે. ગૃહીણીનું બજેટ વેર-વિખેર કરી નાખે તેટલો સિંગતેલ-કપાસીયા તેલના ભાવમાં વધારો થઇને ડબાનો ભાવ રૂ. ૧૮૧૦ એ પહોંચ્યો છે, જે વધીને હજુ રૂ. ર૦૦૦ ની સપાટી કુદાવી જાય તેવી શકયતા છે. જેમ ચોમાસા અને તહેવારોની સિઝન નજીક આવી રહી છે તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. તેથી ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબાનો ભાવ ૧૮૧૦ રૂપિયાએ પહોંચ્યા છે.

આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. માગમાં વધારો થવાની સાથે દાણાના ભાવમાં પણ વધારો થયો છે તો બીજી તરફ કપાસીયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. કપાસીયા તેલના ડબાનો ભાવ રૂ. ૧ર૦૦ છે.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી માર્કેટ અને ઘરમાં તળેલી વાનગીઓ ની ડીમાન્ડ વધુ રહે  છે.

ભજીયાનું વેચાણ પણ ચોમાસામાં વધી જાય છે તો બીજી તરફ હવે શ્રાવણ માસ આવતાં જ વિવિધ તહેવાર શરૂ થશે, જેના કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડીમાન્ડ વધુ રહેશે ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતાં ભાવ ગૃહીણીનાં બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.

ગત વર્ષે આ જ સિઝનમાં તેલના ડબાનો ભાવ ૧૪પ૦ થી ૧૪૭૦ આસપાસ હતો. આ વર્ષે સીધો રૂ. રપ૦નો ભાવ વધારો ઝીંકાયો છે. સૌરાષ્ટ્રની તુલનાએ અમદાવાદમાં સિંગતેલ વધુ મોંઘું છે. સૌરાષ્ટ્ર કરતાં અમદાવાદમાં તેલના ડબાનો ભાવ અંદાજે રૂ. ૧ર૦ જેટલો વધુ છે. મગફળીમાં નાફેડની વેચાણગતિ સાવ ધીમી હોવાના કારણે બજારમાં માગ અને પુરવઠા ઉપર તેની ભારે અસર પડી છે. હાલમાં બીયારણ માટે દાણાની ખરીદી સાથે જ ઓઇલ મીલરોની ખરીદીના કારણે બજારમાં માલની અછત ઉભી થઇ છે. હજુ એપ્રિલમાં રૂ. ૩૦ નો ભાવ વધારો ડબાએ થયો હતો. ત્યારબાદ ફરી જૂનમાં બે વખત ભાવ વધારો થતાં ડબાનો ભાવ હાલમાં રૂ. ૧૮૧૦ છે. નાફેડ જો નવી મગફળી વધારે નહીં વેચે તો માલની અછતના કારણે સિંગતેલનો ડબો તહેવારો પૂર્વે જ રૂ. ર૦૦૦ ની સપાટી કુદાવી જશે.

(3:23 pm IST)