Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

નરોડા પાટિયા કેસ : ૩ આરોપીઓને ૧૦ વર્ષ સજા

સ્પે. કોર્ટે સંભળાવી સજા : SITએ ત્રણેયને નિર્દોષ છોડી મુકયા'તા : ૧૯ જુને ત્રણેય દોષિત ઠર્યા હતા

અમદાવાદ તા. ૨૫ : નરોડા પાટિયા કાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડાયેલાં રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ, પરમેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુત અને ઉમેશ સુરાભાઇ ભરવાડને હાઈકોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નરોડા પાટિયા કેસના ત્રણ આરોપીઓને અગાઉ ૧૯ જૂનના દોષિત ઠેરાવ્યા હતા. જેનો આજે ચૂકાદો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૨માં અમદાવાદના નરોડા વિસ્તારમાં કોમી તોફાનો થયા હતા. જેમાં ૯૭ જેટલા લોકોની હત્યા થઈ હતી. આ મામલાની તપાસ એસ.આઈ.ટીને સોંપવામાં આવી હતી અને એસ.આઈ.ટીની તપાસ અને પુરાવાને આધારે અગાઉ એસ.આઈ.ટી કોર્ટે ત્રણેય આરોપીને નિર્દોષ છોડી મુકયા હતા. જેથી આ કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

આ કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ ૩૨ લોકોને દોષિત જાહેર કર્યા હતા. તો ૨૯ લોકોને મુકત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગોધરામાં સાબરમતી એકસપ્રેસના એસ-૬ ડબ્બાને ચાંપવામાં આવેલી આગમાં ૫૯ કારસેવકોનાં મૃત્યુ બાદ ગુજરાતમાં હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આશરે ૯૦ લોકોનાં મૃત્યુ થયા હતાં. આ કેસમાં હાઈકોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં હતા. આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને મુખ્ય આરોપી ગણાવી આજીવન કેદની સજા ફટકારી હતી. તો બીજી તરફ આ કેસમાં હાઈકોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર ઠેરાવ્યા છે.

આ સાથે ત્રણેય આરોપી ઉમેશ ભરવાડ, રાજકુમાર ચૌમાલ, પરમેન્દ્ર રાજપુતને હાઇકોર્ટે દોષિત જાહેર કર્યા હતા. જેની સજાના એલાન પર હાઇકોર્ટમાં બંને પક્ષો દ્વારા કલાકો સુધી દલીલ કરાઇ હતી. જેમાં સરકારી વકીલ દ્વારા આરોપીઓ સામે ગંભીર ગુનો નોંધાયો હતો. આ સાથે જ નામદાર સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને ધ્યાનમાં રાખી વધુમાં વધુ સજા આપવી જોઈએ તેવી દલીલો પણ કરાઇ હતી. ત્યારબાદ આ કેસમાં આજે હાઇકોર્ટ આરોપીઓની સજાનું એલાન કર્યું હતું.

(2:42 pm IST)