Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

૨૦૧૯માં પડઘા સંભળાતા જ ‘પાસ' ફરી મેદાનમાં : ફરી OBC અનામતની માગ સાથે શહિદ યાત્રાનો પ્રારંભ

પાટીદાર આંદોલન પાર્ટ-૩ : પાસની શહીદયાત્રા : ઉમિયાધામથી કાગવડ ધામ ૪૦૦૦ કિમી યાત્રા : યાત્રા દ્વારા PAASને પુનર્જીવિત કરવાનો પ્રયાસ : હાર્દિક જોડાશે યાત્રામાં

અમદાવાદ તા. ૨૫ : ૨૦૧૯ના પડઘા સંભળાવાના શરૂ થયા છે ત્‍યાંજ પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ ફરી હરકતમાં આવી છે. મરવા પડેલી પાસમાં પ્રાણ ફુંકતા રવિવારે સમિતિ દ્વારા ઉત્તર ગુજરાતના ઉંઝા ખાતેથી પાટીદાર આંદોલન દરમિયાન મૃત્‍યુ પામેલા ૧૪ પાટીદારોને ન્‍યાય અપાવવા અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની માગ સાથે શહીદ યાત્રા કાઢી હતી.

પાસની આ શહીદ યાત્રા રાજયના ૧૧ પાટીદાર પ્રભુત્‍વ ધરાવતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જીલ્લામાંથી ૪૦૦૦ કિમીની યાત્રા કરી કાગવડ ખાતે પહોંચશે. યાત્રાનો મુખ્‍ય હેતુ પાટીદારો માટે OBC અનામતના મુદ્દાને ફરીથી ઉઠાવવાનો છે. પાટીદારોની આસ્‍થાના બે મુખ્‍ય કેન્‍દ્ર ઉંઝા ખાતે ઉમિયા ધામ અને કાગવડ ખાતે ખોડલ ધામ સુધીના આ યાત્રા વિધાનસભા ચૂંટણી બાદ લગભગ મરણપથારીએ પડેલી પાસમાં પ્રાણ પૂરવાનું કામ કરશે.

પાસ દ્વારા આ યાત્રાની શરૂઆત સાથે જ ત્રણ માગણીઓ કરવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન માર્યા ગયેલા યુવાનોના પરિવારને વળતર, આ પરિવારના એક સભ્‍યને સરકારી નોકરી અને ઘટનામાં જવાબદાર પોલીસ સામે દંડાત્‍મક પગલા. આ ત્રણ માગણી સાથે પાટીદાર અનામત આંદોલનનો નવો અધ્‍યાય શરુ થયો છે.

પાટીદાર શહીદ યાત્રાના આયોજક અને પાસના કન્‍વિનર દિલિપ સાબ્‍વાએ કહ્યું કે, ‘અનામત આંદોલન દરમિયાન જે પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્‍યો છે તેમને ન્‍યાય આપવાની અમારી જૂની માગણીઓ બાબતે સરકાર સદંતર નિષ્‍ફળ નિવડી છે. માર્યા ગયેલા યુવાનો માટે રાજય સરકાર અને પોલીસ જ જવાબદાર છે. પાટીદાર સમાજના તમામ યુવાનો અને પાસના સભ્‍યોને આ યાત્રામાં આવવા માટે આમંત્રણ અપાયું છે. તેમજ શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવાર માટે અમે આ યાત્રા દરમિયાન ફંડ પણ ભેગુ કરીશું.'

જયારે PAAS આગેવાન હાર્દીક પટેલ યાત્રા મહેસાણા જીલ્લાની બહાર નીકળશે ત્‍યારે તેમાં જોડાશે. કેમ કે કોર્ટ દ્વારા તેને મહેસાણા જીલ્લામાં પ્રવેશ પર પાબંદી ફરમાવામાં આવી છે. અન્‍ય એક આગેવાન રાહુલ દેસાઈએ કહ્યું કે, ‘આ યાત્રા ૨૦૦૦ ગામડામાં ફરશે. તેમજ સરકાર દ્વારા પાટીદારો સાથે કરવામાં આવેલ અન્‍યાય અંગે પાટીદારોમાં જાગૃતતા ફેલાવશે.

(10:51 am IST)