Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજપીપળામાં નવી મેડીકલ કોલેજ અને હોસ્પિટલ માટે મંજુરી:નવા સત્રથી પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ શરૂ

જીતનગર ખાતે ફાળવેલ જગ્યાએ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરાશે

ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થનારી પાંચ નવી મેડીકલ કોલેજમાં નર્મદા જિલ્લાની નવી મેડીકલ કોલેજનો પણ તેમાં સમાવેશ કરાયેલ છે. GMERS દ્વારા રાજપીપળામાં જીતનગર ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલ માટે મંજુરી અપાઇ છે.

રાજપીપળાની નવી મેડીકલ કોલેજનું બાંધકામ આગામી વર્ષોમાં આકાર પામશે.જીતનગર ખાતે ફાળવેલ જગ્યાએ જયાં સુધી કોલેજ-હોસ્પિટલનું નવું બાંધકામ ઉભુ નહી થાય ત્યાં સુધી શરૂઆતના એક-દોઢ વર્ષ માટે રાજપીપળાની આયુર્વેદિક કોલેજના બિલ્ડીંગમાં હાલ પૂરતા MBBS ના શરૂઆતના પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્ર માટે સૈધ્ધાંતિક મંજૂરી મળી છે.આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતમાં MBBS પ્રથમ વર્ષ અભ્યાસ શરૂ કરાશે.

રાજપીપળા ખાતે મંજુર કરાયેલી નવી મેડીકલ કોલેજના પ્રથમ વર્ષના MBBS ના અભ્યાસક્રમ માટે રાજપીપળા ખાતેની આયુર્વેદિક મેડીકલ કોલેજના બિલ્ડીંગમાં આગામી શૈક્ષણિક સત્રથી કાર્યરત થનાર હોઇ, આ બિલ્ડીંગમાં પ્રથમ વર્ષના અભ્યાસક્રમ માટેના જુદા-જુદા વિભાગો માટે જરૂરી અને પૂરતી સુવિધાઓની ઉપલબ્ધિ માટે પી.આઈ.યુ ને સૂચન કરી તે મુજબની સુવિધાઓ ઉભી થાય તેના અભ્યાસ-નિરીક્ષણ માટે આજે વડોદરાથી રાજપીપલાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ. આશિષ ગોખલે, વડોદરાની મેડીકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકર, એનેટોમી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.વસંત વાણીયા, ફિઝીયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. વર્ષા જોષી અને બાયોકેમેસ્ટ્રી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.શિલ્પા જૈન, પી.આઈ.યુ ના નાયબ કાર્યપાલક ઇજનેર દવે અને પરેશ પરમાર વગેરેએ આજે રાજપીપલા આયુર્વેદિક કોલેજની સંયુકત મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી P.I.U. ને જરૂરી સૂચનો કર્યા હતા.

રાજપીપલાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ.આશિષ ગોખલેએ વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી પાંચ નવી મેડીકલ કોલેજ શરૂ થનાર છે. વડોદરા મેડીકલ કોલેજના ડીન ડૉ.તનુજા જાવડેકર અને કોલેજના જુદા-જુદા વિભાગના વડાઓ, વડોદરા અને નર્મદાની P.I.U. ટીમ તથા અહીંના CDMO અને સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તાએ રાજપીપળા આયુર્વેદિક કોલેજની મુલાકાત લીધી હતી.

(8:19 pm IST)