Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કેન્દ્રએ ‘બ્લેક ફંગસ’ની સારવાર માટે દેશભરમાં ફાળવ્યા 19,420 ઈન્જેક્શનો : સૌથી વધુ ગુજરાતને 4640 મળ્યા

મહારાષ્ટ્રને 4060, આંધ્ર પ્રદેશને 1,840, મધ્ય પ્રદેશને 1,470, રાજસ્થાનને 1,430, ઉત્તર પ્રદેશને 1,260 તેમજ કર્ણાટકને 1,030 ઈન્જેક્શન મળ્યા

ગાંધીનગર: કોરોનાની બીજી લહેરની સાથે જ દેશભરમાં “બ્લેક ફંગસ” અર્થાત “મ્યૂકર માઈકોસિસ”ના દર્દીઓની વધતી જતી સંખ્યાએ ચિંતા વધારી દીધી છે. મ્યૂકર માઈકોસિસના દર્દીઓની વધતી જતી સંખ્યાની સરખામણીમાં જરૂરી દવાઓ અને ઈન્જેક્શન ના મળવાની ફરિયાદો ઉઠાવા લાગી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા હવે બ્લેક ફંગસની  સારવારમાં જરૂરી એવા 19,420 વધારાના ઈન્જેક્શનો ફાળવ્યાં છે. -

આ અંગે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, કેન્દ્રોએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે “મ્યૂકર માઈકોસિસ”ની સારવારમાં સંજીવની સમાન “એમ્ફોટેરિસિન-બી” ના વધારાના 19,420 વાયલ્સ ફાળવી દીધા છે. આશા છે કે, આનાથી દેશભરમાં બ્લેક ફંગસથી પીડિત દર્દીઓની સારવારમાં ઘણી મદદ મળશે.

નવા ફાળવેલા 19,420 ઈન્જેક્શનો પૈકી ગુજરાતને સૌથી વધુ 4,640 મળ્યા છે, કારણ કે દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ દર્દીઓ પણ આજ રાજ્યમાં નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્રને 4060, આંધ્ર પ્રદેશને 1,840, મધ્ય પ્રદેશને 1,470, રાજસ્થાનને 1,430, ઉત્તર પ્રદેશને 1,260 તેમજ કર્ણાટકને 1,030 ઈન્જેક્શન ફાળવવામાં આવ્યાં છે.

 

અગાઉ 21મીં મેના રોજ સરકારે “એમ્ફોટેરિસિન-બી”ના (Amphotericin B)  23,680 ઈન્જેક્શન્સ ફાળવ્યા હતા “એમ્ફોટેરિસિન-બી” એક એન્ટી ફંગલ ઈન્જેક્શન છે. જેને બ્લેક ફંગસની સારવારમાં કારગર માનવામાં આવ્યો છે. -

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન દેશભરમાં બ્લેક ફંગસના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અનેક રાજ્યોએ તો આ બીમારીને મહામારી જાહેર કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ મ્યૂકર માઈકોસિસ બીમારીને ગંભીરતાથી લીધી છે.

(7:57 pm IST)