Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વડોદરાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ફૂલ બતાવી સરકારને લૂંટવાનો કારશો સામે આવતા ડીડીઓ દ્વારા શુક્રવારે હોસ્પિટલ સંચાલકોને જવાબ રજૂ કરવા આદેશ અપાયો

વડોદરા: વડોદરાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ફૂલ બતાવી સરકારને લૂંટવાનો કારશો સામે આવ્યો છે. 13 મેના રોજ 197 દર્દી હતા જે ચોપડે 496 દર્દીઓ બતાવ્યા હતા. જ્યારે આ મામલે હોસ્પિટલના સંચાલકોને ડી.ડી.ઓનુ તેડું આવ્યું છે અને શુક્રવારે હોસ્પિટલ સંચાલકોને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. જો સંચાલકો કસૂરવાર ઠરશે તો ફોઝદારી કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર દ્વારા એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરાયેલા ડીડીઓ કિરણ ઝવેરીની હોસ્પિટલના ભરાયેલા બેડની જાણકારી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. બેડની ચકાસણી કરવા જતાં અધિકારીઓને પણ પી.પી.ઈ કીટ પહેર્યા વગર હોસ્પિટલમાં પ્રવેશ આપતા ન હતા. કોવિડ માટે હોસ્પિટલના 600 માંથી 400 બેડ સરકારી બેડ તરીકે રીફર કરાયા હતા. તંત્રએ 1000 બેડ કરવાની સૂચના આપ્યા બાદ પણ બેડની સંખ્યા વધારાઈ ન હતી.

ત્યારે આ મામલે ડીડીઓ કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે, 496 દર્દીઓ બતાવ્યા હતા જેની સામે હોસ્પિટલમાં તપાસ કરતા 50 ટકા જ દર્દી દાખલ હોવાનું સામે આવ્યું છે. ફ્રી અને પેઈડ બંને પ્રકારના દર્દીઓ ઓછા હતા, જે વધુ બતાવ્યા હતા. હોસ્પિટલ સત્તાધીશોએ કોવિડમાં લોકોની સેવા કરવાનું ટાળ્યું છે.

18 મેના રોજ હોસ્પિટલ સાથેનું એમઓયુ સ્થગિત કરાયું હતું. હોસ્પિટલના સત્તાધીશોએ એપ્રિલમાં બિલ મુક્યૂં, પણ હજી સુધી એક પણ રૂપિયા ચૂકવાયા નથી. હોસ્પિટલમાંથી એડમિશન, ડીસચાર્જ રજિસ્ટર, સી.પી.યુ જપ્ત કર્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલ સત્તાધીશોને નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું છે.

ડીડીઓ કિરણ ઝવેરીએ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન ક્યાં વાપર્યા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના સત્તાધીશો સામે તપાસ બાદ કડક પગલા ભરાશે તેની ખાતરી આપી છે.

(4:58 pm IST)