Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોના મહામારીને કારણે ગુજરાત સરકારે શાળામાં ધોરણ 1 થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા શિક્ષણ વિભાગે નવા સત્રથી શરૂ થતા વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી

ગાંધીનગર: કોરોના મહામારીને કારણે ગુજરાત સરકારે શાળામાં ધોરણ 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેવામાં હવે નવા શૈક્ષણીક સત્રથી હાઇસ્કુલોમાં વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જેથી શિક્ષણ વિભાગે નવા સત્રથી શરૂ થતા વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી છે. શાળા કમિશ્નર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9,10,11 અને 12ના હયાત વર્ગોની સંખ્યા મંગાવાઇ છે. તો બીજી તરફ નવા વર્ગ વધારવા માટે 1 જુનથી 31 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરવા અંગે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.

બીજી તરફ શાળાઓમાં વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે પણ સરકાર સમક્ષ રજુઆત કરી હતી. ધોરણ 10 માં માસ પ્રમોશન આપવાથી ધોરણ 11 માં પ્રવેશ લેનારા નવા વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા માટે 2 હજાર જેટલા વર્ગો ઉભા કરવા પડશે. તો બીજી તરફ 3000 થી વધારે શિક્ષકોની પણ જરૂર પડશે. હાલ તો આટલા ટુંકા ગાળામાં આટલા મોટા પ્રમાણમાં વર્ગો કેવી રીતે વધારશે અને શિક્ષકો ઉભા કરવા તે પડકાર છે.

અત્રે નોંધનીય છે કે, વિજય રૂપાણી દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે, પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ધોરણ 11 માં પ્રવેશ આપવાને પગલે સવાલ ઉભા થયા છે. ધોરણ 11ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે. જ્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થી ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ 9 લાખ વિદ્યાર્થીઓ ઉભા રહે છે.

(4:54 pm IST)