Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

અમદાવાદમાં ૨૮મી મેથી AMTS-BRTS શરૂ થશે

કોરોનાના કહેરમાં રાહતના સમાચાર : જાહેર બસોમાં મુસાફરી દરમિયાન મુસાફરોએ કોરોના વાયરસની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે

અમદાવાદ, તા. ૨૫ : કોરોના કાળમાં અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણની સ્પીડ બેફામ વધી જતા અમપા સિટી બસોનું સંચાલન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, હવે કોરોનાનું જોર ઘટતા લગભગ બે મહિના બાદ અમદાવાદના રસ્તાઓ પર ફરીથી એએમટીએસ-બીઆરટીએસની બસો દોડતી જોવા મળશે.

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ મળતા હવે એએમસી દ્વારા પણ બસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કોરોનાના કેસો ઓછા થયા છે પરંતુ તે હજી સમાપ્ત નથી થયો. જેથી લોકોએ હજી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જાહેર બસોમાં મુસાફરી દરમિયાન લોકોએ કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.

કોરોનાના નિયમો પ્રમાણે હાલ બસમાં એક સાથે વધુમાં વધુ ૫૦% મુસાફરો મુસાફરી કરી શકશે. જે મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તેમને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. સંક્રમણ ફેલાય તે માટે દિવસમાં બે ટાઈમ બસોને સેનિટાઈ પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર શરૂ થતાં અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. જેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૮ માર્ચના રોજ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે હજી સુધી અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે, હવે ૨૮ મેથી બસોનું સંચાલન ફરી શરૂ થતાં લોકોને વધારે રાહત મળશે.

કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. જોકે, પરિસ્થિતિમાં સતત સુધારો અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી હોવાથી પાંચ દિવસ અગાઉ રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ૨૧થી ૨૭ મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી હતી. જેમાં નિયંત્રણો ધરાવતા ૩૬ શહેરોમાં સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, રાત્રિ કર્ફ્યૂમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

(9:43 pm IST)