Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરતને સહાય : 200 ઓક્સિજન કન્સ્ટ્રેશન મશીન મોકલાવ્યા

અમેરિકા વસતા મૂળ ગુજરાતીઓએ એક લાખ ડોલરના ખર્ચે સુરતને 200 ઓક્સિજન કન્સ્ટ્રેશન મશીન મોકલ્યા

સુરત: કોરોનાના નવા સ્ટ્રેઈને દેશ આખાને અજગરી ભરડામાં લીધો છે. બીજા તબક્કામાં તંત્ર સુવિધાઓના અભાવ વચ્ચે લાચાર દેખાયું હતું. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં માતૃભૂમિનું ઋણ ચૂકવવા અમેરિકા વસતા મૂળ ગુજરાતીઓએ એક લાખ ડોલરના ખર્ચે સુરતને 200 ઓક્સિજન કન્સ્ટ્રેશન મશીન મોકલાવ્યા છે.

આ 200 મશીનમાંથી 100 મશીન સુરત કોર્પોરેશન અને બાકીના 100 મશીન બારડોલી ખાતે ફાળવવામાં આવ્યા છે. શહેરમાં કોરોના દર્દીઓની પરિસ્થિતિથી વાકેફ થઈને મૂળ ગુજરાતી અને દાયકાઓથી અમેરિકાને કર્મભૂમિ બનાવનાર એન.આર.આઈ.દ્વારા આ મશીન મોકલવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો.

પહેલા તબક્કામાં 80 લાખના ખર્ચે 200 ઓક્સિજન મશીનોની ડિલિવરી કરવામાં આવી છે. અને આગામી સમયમાં વધુ 300 ઓક્સિજન કન્સ્ટ્રેશન મશીનોની સહાય કરવામાં આવશે. જુનના અંત સુધી આ મશીન આવે તેવી શકયતા છે.

અમેરિકાના મિસીસીપી ખાતે વસતા ગુજરાતી સમાજ દ્વારા જે સહાય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેના માટે આ દાનવીરો દ્વારા “યુનાઇટેડ વી બ્રિથ” નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત મિસીસીપી સહિત અમેરિકામાં વસતા ગુજરાતીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જેના ભાગરૂપે સુરતને 500 ઓક્સિજન મશીનની સહાય શક્ય બની હતી. આગામી સમયમાં અન્ય સહાયની પણ જાહેરાત ગુજરાતી સમાજ ઓફ મિસીસીપી દ્વારા કરવામાં આવી છે.

(12:39 pm IST)