Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજ્યમાં ‘તૌકતે’વાવાઝોડાને કારણે નુકસાન પામેલા મકાનોને 4 કેટેગરી મુજબ ખાસ કિસ્સા તરીકે સહાય ચૂકવાશે

દબાણ કરીને બનાવેલા મકાનને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે.

ગાંધીનગર: રાજયમાં તાજેતરમાં આવેલા “તૌકતે” વાવાઝોડાથી ગુજરાતના ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. આ વાવાઝોડાના કારણે અનેક રહેણાંકના કાચા તથા પાકા મકાનોને સંપૂર્ણ અથવા આંશિક નુકસાન થયું છે. જેથી રાજય સરકારે માનવતાના ધોરણે વિચારણાં કરીને વાવાઝોડામાં નુકસાન પામેલા મકાનોને ખાસ કિસ્સા તરીકે સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમાં દબાણ કરીને બનાવેલા મકાનને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયથી કોઇપણ પ્રકારની કાયદેસરતા મળતી નહીં હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

રાજયના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયમાં જણાવ્યા મુજબ, સંપૂર્ણ નાશ પામેલા અથવા મોટું નુકસાન પામેલા રહેણાંકના કાચા તથા પાકા મકાનોને 95,100 રૂપિયા ચુકવવાના રહેશે. જયારે અંશત નુકસાન પામેલા રહેણાંકના કાચા તથા પાકા મકાનો એટલે કે છાપરા-નળિયા ઉડી ગયા હોય કે પછી કોઇ દિવાલ ધરાશયી થઇ હોય તેવા કિસ્સામાં જો કાચા તથા પાકા મકાનધારકોને 25,000 અને સંપૂર્ણ નાશ પામેલા કે આંશિક નુકસાન પામેલા ઝુંપડાઓને 10 હજારની સહાય ચુકવવામાં આવશે.

આ સિવાય ઘર સાથેના કેટલ શેડને થયેલા નકુસાન માટે રૂપિયા 5,000ની સહાય ચૂકવાશે. જે કિસ્સામાં સરકારી/ પંચાયતની જમીન પર દબાણ કરીને બનાવેલા રહેણાંકના મકાનોને અથવા અનઅધિકુત રીતે બનાવેલા કાચા/પાકા રહેણાંકના મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકસાનના કિસ્સામાં માનવતાના ધોરણે રકમ ચૂકવવામાં આવશે.

વધુમાં જણાવ્યું છે કે તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના જિલ્લાઓ માટે ખાસ કિસ્સા તરીકે રકમ ચૂકવવામાં આવનારી છે. દબાણ કરીને બનાવેલા મકાન અંગે જે તે વિભાગના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયથી કોઇપણ પ્રકારની કાયદેસરતા મળી નહીં હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે

(9:37 am IST)