Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

BSF માં ગુજરાત કેડરના IPSની બોલબાલા

૧૭૦૦૦ લોકરક્ષકોની પારદર્શક ભરતીથી જી. એસ. મલ્લિક ગુજરાતભરમાં છવાયેલા : જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના ઓર્ડર સાથે બોર્ડર સિકયોરીટી ફોર્સમાં હવે સંખ્યા પ ના આંકે પહોંચી

રાજકોટ, તા., ૨૫: રાજય પોલીસ તંત્રમાં સંનિષ્ઠ અને કાર્યદક્ષ આઇપીએસ તરીકે જાણીતા હોવા સાથે અસામાજીક તત્વોના દુશ્મન અને સામાન્ય પ્રજાના મિત્ર તરીકે પંકાયેલા સુરત રેન્જના વડા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકને અચાનક બીએસએફમાં મુકતો ઓર્ડર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા થતા આઇપીએસ વર્તુળોમાં આ બાબતે અનેકવિધ ચર્ચાઓ અને અનુમાનો ચાલી રહયા છે.

રાજય પોલીસ તંત્રની ક્રીમ પોસ્ટ પૈકીની મોટા ભાગના આઇપીએસો માટે આકર્ષણરૂપ એવી સુરત રેન્જમાં તેઓની નાઇચ્છા છતા  ચોક્કસ સંજોગો ધ્યાને લઇ આવુ મહત્વનું પોસ્ટીંગ આપવામાં આવેલ પારીવારીક કારણોસર તેઓ વડોદરામાં જ ફરજ બજાવવા ઇચ્છુક હોવાની રજુઆત ગાંધીનગરમાં કરેલી હતી.

જો કે હાલમાં તેઓના જે પારીવારીક કારણો અને ખાસ કરીને પુત્રીના અભ્યાસનો પ્રશ્ન હતો તે મહદઅંશે પુર્ણ થઇ ગયો છે. આમ છતાં આઇપીએસ વર્તુળો આ બાબતને અસામાન્ય રીતે જોઇ રહયા છે.

વડોદરા રેન્જ આઇજીપી તરીકે ભારે વગદાર મનાતા જયેશભાઇ પટેલની સુમનદીપ વિદ્યાપીઠના પ્રશ્ને તેઓએ તટસ્થાથી કામ લીધું હતું અને આકરા પગલા ભરાવ્યા હતા.

ગુજરાતમાં ૧૭૦૦૦ જેટલા લોકરક્ષકોની ભરતીનું ખુબ જ મહત્વનું અને અટપટુ કાર્ય રાજય સરકારે જી.એસ.મલ્લિકને સુપ્રત કરતા તેઓએ આ પડકારરૂપ કાર્ય જે રીતે પાર પાડયું તેનાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના નેતાઓ તથા ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પ્રભાવીત બન્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકરકાળથી જેમના પ્રત્યે માનની લાગણી ધરાવે છે. તેવા  આ આઇપીએસ અધિકારીને એડીશ્નલ ડીજીપીનું પ્રમોશન મળવાની તૈયારીઓ હતી તેવા ટાંકણે જ આ ઓર્ડર આવતા ચર્ચાઓ જાગી છે. જો કે જી.એસ.મલ્લિકના નજીકના વર્તુળો કહે છે કે તેઓએ કેન્દ્રીય ડેપ્યુટેશન માટે જે તે વખતે સહમતી આપી ત્યારે તેમની પ્રથમ પસંદગી બીએસએફ જ હતી.

બોર્ડર સિકયુરીટીમાં ગુજરાત કેડરના આ અધિકારીઓ હાલમાં કાર્યરત છે

રાજકોટઃ બોર્ડર સિકયોરીટી ફોર્સમાં  ગુજરાત કેડરના હાલમાં જે અધિકારીઓ ફરજ બજાવી રહયા છે તેમાં રાજકોટ અને જામનગર એસપી તરીકે ફરજ બજાવી ગયેલા  અજય તોમર, અતુલ કરવલ, રાજુ ભાર્ગવ અને પ્રફુલ્લ રોશન નામના આઇપીએસ અધિકારીઓનો સમાવેશ છે.

સુત્રોના કથન મુજબ હાલમાં બીએસએફમાં ગુજરાત અને રાજસ્થાનનો હવાલો ધરાવતા અજય તોમરનો કાર્યકાળ બીએસએફમાં પુર્ણ થવાની તૈયારી છે. તેઓ ટુંક સમયમાં પોતાની પેરેન્ટસ કેડર એવી ગુજરાત કેડરમાં પરત ફરનાર છે.

(12:41 pm IST)