Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે પપેટ શો દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ જિલ્લામાં ગૃપ મિટિંગ, રેલી, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌દર વર્ષ ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. બી કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ પપેટ શો દ્વારા જનજાગૃતિ કરી વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ સહિત અમદાવાદ જીલ્લાના તમામ તાલુકાઓમાં આ વર્ષની થીમ "વધુ ન્યાયપૂર્ણ વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વેગ આપો" નિયત કરાઈ છે. 

  આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ, અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગૃપ મીટીંગ, સેમીનાર, રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લામાં  છેલ્લા દસ વર્ષથી મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો નોંધાતો રહે છે જેના પાછળ આરોગ્ય વિભાગની મેલેરીયા શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને લોકો દ્વારા મળેલ સાથ સહકારને કારણે આ શક્ય બન્યુ છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ દરમ્યાન લોહીના નમૂના એકત્રીકરણ કરવામાં આવે છે, ગામે-ગામ પોરાનાશકની કામગીરી હાથ ધરવામાં આવે છે. નોંન ટ્રાન્સમિશન ઋતુમાં સતત માસ એક્ટિવિટી  કરાય છે‌ તથા જીઆઇડીસી વિસ્તારોમાં અને ટાયર પંચરની દુકાન, એસટી ડેપો, બિન વપરાશી અવાવરૂ મકાનોની, સરકારી મકાનોની ચકાસણી કરવામાં આવે છે. 

  વધુમાં તહેવારોમાં, મેળાઓમાં પણ વાહક જન્ય રોગોની જન-જાગૃતિ લાવી શકાય તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આવા સતત પ્રયત્નના કારણે મેલેરિયામાં કંટ્રોલ કરી શકાય છે અને નાબૂદી તરફ આગળ વધી રહ્યા છીએ. જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અઠવાડિયામાં એક વખત પાણી ભરવાના પાત્રોની યોગ્ય સાફ-સફાઈ કરવી અને પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. કોઈપણ તાવ મેલેરિયા હોઈ શકે છે. તાવ આવે એટલે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર જઈને નિશુલ્ક લોહીની તપાસ અવશ્ય કરાવવી જોઈએ. આપણે સૌ મચ્છરોની ઉત્પત્તિ અટકાવીશું તો મેલેરિયાને ચોક્કસ અટકાવી શકીશું. 

(7:06 pm IST)