Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

સાબરમતી રેલવે કોલોનીમાં જુગાર ધામ પર દરોડા પડ્યા

દરોડા દરમ્યાન ૪૫,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો : જુગાર રમાડનાર બાબુ દાઢીની ફરીવાર ધરપકડ કરાઈ

અમદાવાદ,તા. ૨૫ : અમદાવાદ શહેરમાં સાબરમતી રેલવે કોલોનીમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરીને પોલીસે રોકડ નાણાં તથા જુગાર રમવાના સાધન સહિત ૪૫,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. જુગારધામ સાથે જોડાયેલા અને જુગાર રમાડનાર બાબુ દાઢી સહિત ૧૪ ઈસમોને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યા છે. પકડી પાડેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. બાતમીના આધારે અમદાવાદ સાબરમતી ન્યુ રેલવે કોલોનીમાંથી જુગાર રમાડનાર લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી, જયરાજ કનૈયાલાલ, મનુભાઈ સેંધાજી તારાજી, દાદારાવ મહાદેવરાવ, શંભુભાઈ ઉર્ફે અશોકભાઈ, રમેશ છગનજી, ભરતભાઈ કાંતિભાઈ, વિનોદ ઉર્ફે જીતુ, વાસુદેવ માગાભાઈ, મનિષ રામુભાઈ, રાજેશ બાબુભાઈ, મોહંમદ મુખ્તીયાર, ગફુરભાઈને પકડી પાડ્યા છે. આમાંથી મોટાભાગના લોકો અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સાબરમતી આસપાસના વિસ્તારના જ આ તમામ લોકો છે. ઝડપાયેલા તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી ચોરી છુપેથી પોતાના ઘરમાં ખુલી જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જુગારના બે કેસમાં તથા ત્રણ મહિના પહેલા પીસીબીમાં જુગારના કેસમાં લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી પકડાઈ ચુક્યા છે. દરોડા દરમિયાન લક્ષ્મણ ઉર્ફે બાબુ તેના ભાઈ અને પત્ની ક્રિષ્નાબેન તથા બહેન ચંપાબેન રાવતને રેડ દરમિયાન બુમો પાડી આજુબાજુના માણસોને બોલાવી લીધા હતા. જેથી પોલીસની કાર્યવાહીમાં અડચણો ઉભી થઈ હતી. આના ભાગરૂપે પોલીસે કલમ ૧૮૬ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાસી છૂટનાર ઈસમોની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:58 pm IST)