Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

અમદાવાદની ૭૦ લાખની વસ્‍તીનો હાલનો વિસ્‍તાર પ૦પ ચો.કિ.નોઃ ૭પ ટકા વસ્‍તી અને ૯૭ વિસ્‍તારને ડ્રેનેજ નેટવર્કથી આવરી લેવાયોઃ નવા ડ્રેનેજ નેટવર્ક નંખાતા જાય છે - તાકીદનાં ધોરણે બેરિકેડિંગ કરવાનું રહેશે

મેગાસિટી અમદાવાદમાં 70 લાખની વસ્તી હોઈ તેનો હાલનો વિસ્તાર 505 ચો.કિ.મી.નો છે.

શહેરમાં સિસ્ટેમેટિક ડ્રેનેજ લાઇન વર્ષોથી હયાત છે, જેમાં સમયાંતરે જરૂરિયાત મુજબ સુધારો-વધારો થતો રહે છે. હાલમાં શહેરની 75 ટકા વસ્તી અને 97 ટકા વિસ્તારને ડ્રેનેજ નેટવર્કથી આવરી લેવાયો છે. જોકે શહેરમાં નવા વિકસતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં થતાં બાંધકામ વગેરે કારણસર નવા ડ્રેનેજ નેટવર્ક નંખાતા જાય છે. દરમિયાન, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં નવી ડ્રેનેજ - સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માટેની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) બહાર પડાઈ છે. આ એસઓપીના આધારે ડ્રેનેજને લગતાં તમામ નવાં કામો હાથ ધરાનાર હોઈ નાગરિકોને સુવ્યવસ્થિત નેટવર્કનો લાભ મળશે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા ખાસ બહાર પડાયેલા સેન્ટ્રલ ઓફિસ સર્ક્યુલર નં. 86, તા. 23 માર્ચ-2023 મુજબ શહેરમાં આરસીસી એનપી-3, એનપી-4, એમએસ પાઇપલાઇન, ડીઆઇ પાઇપલાઇન, સ્ટોનવેર પાઇપ વગેરે મટીરિયલની ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર, રાઇઝિંગ લાઇન નાખવામાં આવે છે.

તંત્રની એસઓપી મુજબ નવી ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર, રાઇઝિંગ લાઇન નાખવાની કામગીરી કન્સલ્ટન્ટની સૂચવેલી ડિઝાઇન મુજબ કરવાની થાય તો કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરતા પહેલાં પાઇપલાઇનના એલાઇન્મેન્ટ તથા ગ્રાઉન્ડ લેવલ સર્વે અને કનેક્શન કરવાનું થતું હોય તે મશીન હોલના ઇનવર્ટ લેવલ લઈ ખાતા મારફતે કન્સલ્ટન્ટને પાઠવવાના રહેશે. કન્સલ્ટન્ટ દ્વારા લોન્જિટ્યુડિનલ સેક્શન (એલએસ) તંત્રને સબમિટ કરવાના રહેશે અને તે મુજબ કોન્ટ્રાક્ટરે કામગીરી કરવાની રહેશે. જો ખાતા દ્વારા કામગીરી કરવાની થતી હોય તો કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરતાં પહેલાં પાઇપલાઇનના એલાઇન્મેન્ટ તથા ગ્રાઉન્ડ લેવલ સર્વે અને કનેક્શન કરવાનું થતું હોય તે મશીન હોલના ઇનવર્ટ લેવલ એલએસ લઈ ખાતા મારફતે ચેક કરાવવાના રહેશે. કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરતા પહેલાં હયાત પાણીની લાઇન, ગટરલાઇન અને વરસાદી પાણીની લાઇન તેમજ અન્ય યુટિલિટીને ધ્યાનમાં રાખી ટ્રાયલપિટ કરી ખાતાના અધિકારી સાથે એલાઇન્મેન્ટ નક્કી કરવાનું રહેશે.

ખાસ તો કામની સમગ્ર જગ્યાએ બેરિકેડિંગ કરવાનું રહેશે તથા જરૂર મુજબ ડાઇવર્ઝન આપવાનું રહેશે. આ માટે જરૂરી રિફ્લેક્શન સાથેનાં કોઝન બોર્ડ અને જરૂરિયાત મુજબ સેફ્ટી મેઝર્સ લેવાના રહેશે. કોન્ટ્રાક્ટરે ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ ગ્રેવિટી તથા રાઇઝિંગ લાઇનના ઉત્પાદન, પરીક્ષણ અને વિતરણ અને અન્ય જરૂરી ટેસ્ટિંગ કરાવવાના રહેશે. મશીન હોલ ચેમ્બરની કામગીરી ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ પૂર્ણ કરીને હયાત લાઇન સાથે તેની નવી નાખેલી લાઇનોનું જોડાણ કરી ફ્લોર ટેસ્ટ કરવાનો રહેશે.

બ્રેકડાઉનની એસઓપી મુજબ તે જગ્યાએ ઝોન ખાતેથી તાકીદનાં ધોરણે બેરિકેડિંગ કરવાનું રહેશે. આસિસ્ટન્ટ સિટી ઈજનેર દ્વારા, તેમના સ્ટાફ દ્વારા ઇન્સ્પેક્શન કરીને બ્રેકડાઉન કઈ લાઇન ઉપર પડ્યું છે, લાઇનનો ડાયામીટર કેટલો છે, લાઇનની ઊંડાઈ કેટલી છે, બ્રેકડાઉન લાઇન પમ્પિંગ સ્ટેશનની લાઇન છે કે ગ્રેવિટી લાઇનમાં સુએઝ ફ્લો ચાલુ છે, બ્રેકડાઉન થવાનું કારણ રિપેર માટે કરવાની થતી કામગીરી, બ્રેકડાઉન પૂરું થવાનો અંદાજિત સમયગાળો અને તેનો અંદાજિત ખર્ચ તેમજ બ્રેકડાઉન થયેલી લાઇન ઉપર અગાઉ જુદી જુદી જગ્યાએ થયેલા બ્રેકડાઉનની વિગત તેમજ લાઇન ઉપર ડીશિલ્ટિંગ તેમજ રિહેબિલિટેશન કરેલ હોય તો તેની વિગત વગેરે માહિતી તૈયાર કરવાની રહેશે. સમયાંતરે બ્રેકડાઉનનો પ્રોગ્રેસ રિપોર્ટ સ્માર્ટ સિટી-૩૧૧ ઉપર અપલોડ કરવાનો રહેશે. આ માટેના એઆરસી ટેન્ડર દરેક ઝોનમાં તૈયાર કરવાના રહેશે. તંત્ર દ્વારા એમએસ પાઇપલાઇન અને ડીઆઇ પાઇપલાઇનમાં થતાં લીકેજનાં રિપેરિંગ માટે પણ વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રસિદ્ધ કરાઈ છે.

અરજદારે જે તે વિસ્તારની સબ ઝોનલ ઓફિસમાં અરજી જમા કરાવવાની રહેશે. ત્યાર બાદ ડ્રેનેજ વિભાગના સુપરવાઇઝર, આસિસ્ટન્ટ ઈજનેર તેની સ્ક્રૂટિની કરશે. સ્ક્રૂટિની દરમિયાન મિલકતનો ટેક્સ ભર્યો છે કે નહીં તેની ચકાસણી કરાશે. ત્યાર બાદ ડ્રેનેજ કનેક્શનના ચાર્જ સાથે એસ્ટિમેન્ટ બનાવાશે અને સાત દિવસની અંદર મિલકત ધારક કે મિલકતના ચેરમેન સેક્રેટરીને વોર્ડ ઓફિસેથી રકમ જમા કરાવવા બાબતે પત્રવ્યવહાર કરવાનો રહેશે.

(11:25 pm IST)