Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ચૈત્રી નવરાત્રીના ફુલની માંગમાં વધારો અને કમોસમી વરસાદને પગલે ફુલના ભાવોમાં ૩૦ થી પ૦ ટકાનો જબરો વધારોઃ ભકિત કરવી પણ મોંઘી

- ગુલાબ રૂ.50થી 70ના કિલો વેચાઈ રહ્યા છે

ગાંધીનગરઃ  રાજ્યભરમાં ઉનાળામાં કમોસમી વરસાદની જાણે સીઝન આવી છે. બીજી તરફ ચૈત્રી નવરા‌ત્રિનો આરંભ થઈ ગયો છે ત્યારે ફૂલની માગમાં પણ વધારો થયો છે.

કમોસમી વરસાદના પગલે ફૂલના પાકમાં નુકસાન જવાથી ફૂલના ભાવમાં 30થી 50 ટકાનો વધારો નોંધાયો છે, પરિણામે હવે ભક્તો માટે ભક્તિ કરવી પણ મોંઘી બની ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતમાં ફૂલનો સૌથી વધારે વપરાશ નવરા‌ત્રિ, શ્રાવણ માસ અને દિવાળી પર્વ દરમિયાન થતો હોય છે, જેમાં આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિને મુખ્ય માનવામાં આવે છે. કમોસમી વરસાદના પગલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ફૂલની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી છે. ફૂલનો પાક વરસાદમાં નિષ્ફ્ળ જતાં ફૂલના ભાવમાં વધારો નોંધાયો છે.

આદ્યશક્તિની પૂજા-અર્ચના માટે ઉપયોગમાં લેવાતાં ફૂલના ભાવ વધી જવાના કારણે માઈ ભક્તોમાં કચવાટ છે. હજુ પણ ચૈત્રી આઠમ અને રામ નવમીના દિવસે ફૂલ વધુ મોંઘાં થવાની શક્યતા છે. વહેલી સવારે ભરાતા ફૂલબજાર અને તેની આસપાસ ફૂલના ઢગલા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે નવરા‌ત્રિમાં ગુલાબ અને મોગરાની માગ ખૂબ રહેતી હોય છે. દસ દિવસ પહેલાં ફૂલનો જે ભાવ હતો તેમાં બમણા કરતાં વધુ વધારો થઈ ગયો છે. ગલગોટાના ભાવમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. રૂ.30ના કિલો વેચાતા ગલગોટાનો ભાવ કિલોના રૂ.100 થઈ ગયો છે, જ્યારે ગુલાબ રૂ.50થી 70ના કિલો વેચાઈ રહ્યા છે. મોગરાનો ભાવ તો આસમાને છે. મોગરાનો ભાવ રૂ.600 થયો છે.

 

ફૂલ બજારના વેપારીના જણાવ્યા મુજબ ચૈત્ર નોરતામાં ગલગોટા અને ગુલાબનું વેચાણ વધી ગયું છે. નવરા‌ત્રિમાં લાખો કિલો ગલગોટા અને ગુલાબનું રોજ વેચાણ થઈ રહ્યું છે. નવરા‌ત્રિની માગને પહોંચી વળવા ફૂલની ખેતી કરતા ખેડૂતો તેમજ હોલસેલ વેપારીઓ દ્વારા પણ સ્ટોક વધારી દેવાયો છે. નવરા‌ત્રિના નવ દિવસ દરમિયાન ફૂલની માગમાં વધારો રહેતાં ફૂલ બજાર મોડી રાત સુધી ધમધમતું જોવા મળે છે.

પારસ: રૂ. 200
મોગરો: રૂ. 600
ગુલાબ: રૂ. 70
ગલગોટા રૂ. 90થી રૂ.100
ટગર રૂ.300
(ભાવ પ્રતિ કિલો)

આ નવરા‌ત્રિ દરમિયાન એકમ પર ગુરુ સૂર્ય સાથે મીન રાશિમાં બિરાજમાન છે. શનિ તેની કુંભ રાશિમાં છે. આવા યોગમાં 617 વર્ષ પહેલાં ૩૦ માર્ચ, 1406ના રોજ ચૈત્ર નવરાત્રિ ઊજવવામાં આવી હતી. સૂર્ય મીન રાશિમાં છે અને ગુરુ-શનિ પોતપોતાની રાશિમાં છે. આ ત્રણ મોટા ગ્રહોની સાથે શરૂ થયેલા નવા વર્ષનું મહત્ત્વ વધી ગયું છે. ભક્તો પણ ભાવપૂર્વક પૂજા-અર્ચના સાથે નવરા‌ત્રિ ઊજવી રહ્યા છે.

(11:24 pm IST)