Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વૃદ્ધ માતા પર પુત્રએ પૈસા માટે અમદાવાદખાતે હુમલો કર્યો :ઘરમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો

પોલિસે માતાની ફરિયાદને આધારે પુત્રની ધડપકડ કરી

મદાવાદઃ પૈસા માટે વૃદ્ધ માતા પર પુત્રએ હુમલો કર્યો અને ઘરમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. જો કે, દિકરાથી બચવા ના છૂટકે વૃદ્ધ માતાએ પુત્ર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે માતાની ફરિયાદને આધારે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, આકાશ જોષી તેની પત્ની મોનલ સાથે ફોન પર વાત કરતો હતો અને પતિ-પત્ની વચ્ચેની તકરારમાં અચાનક ઉશ્કેરાઈ ગયો અને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.

માતા કલ્પનાબેને દિકરાને તોડફોડ કરતા અટકાવ્યો અને સમજાવવા જતા આકાશે માતા પર હુમલો કરી દીધો હતો. ત્યારે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો.
 

એટલું જ નહીં, આરોપી આકાશે છરી મારીને હત્યા કરવાની ધમકી આપી હતી. તેથી કલ્પનાબેન ઘરેથી નીકળી ગયા હતા અને ઘર નજીકના બસ સ્ટેન્ડે આખી રાત પસાર કરીને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માતાની ફરિયાદ બાદ પુત્ર આકાશની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. આરોપી આકાશ જોષી અગાઉ કાપડની દુકાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ઘરે બેકાર હતો. જેથી તેની પત્ની મોનલ પણ બે બાળકોને લઈને છ મહિના પહેલાં વડોદરા જતી રહી હતી.

આકાશના માતા કલ્પનાબેન નિવૃત શિક્ષક હોવાથી તેમનું પેન્શન આવતું હતું. આકાશને માતા પાસેથી પૈસા કઢાવવા તે ઘરમાં તોડફોડ કરીને આતંક મચાવતો હતો. જેથી માતા પૈસા વાપરવા આપી દેતા હતા. પરંતુ આકાશે આ વખતે પૈસાની લાલચમાં માતાનો જીવ લેવાનો પ્રયાસ કરતા અંતે માતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યાં છે. પોલીસે વૃદ્ધ માતાની ફરિયાદને આધારે દિકરાની સામે કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી આકાશથી માત્ર માતા જ નહીં, આખી સોસાયટી પરેશાન હતી. આલોક એપાર્ટમેન્ટના અનેક રહીશોએ આકાશ વિરૂદ્ધ અરજી કરી હતી કે, આકાશ અવારનવાર ઘરમાં તોડફોડ કરીને આંતક મચાવે છે. હાલમાં આનંદનગર પોલીસે મારામારી કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:12 pm IST)