Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

અમદાવાદના વિક્‍ટોરીયા ગાર્ડનથી દિલ્‍હી દરવાજા સુધીના 8 બીઆરટીએસ હેરીટેજ બસ સ્‍ટેશનનો ખર્ચ 1.05 કરોડઃ તંત્રની જાળવણીના અભાવે વિવાદાસ્‍પદ બન્‍યા

મોંઘા બસ સ્‍ટેશન જાળવવામાં તંત્ર નિષ્‍ફળ

અમદાવાદ: પ્રજાના કરવેરાના નાણાંનો સીધો દુરુપયોગ હોય કે પછી એ જ નાણાંને સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ તરીકે વાપરીને દુરુપયોગ હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના નાણાંના દુરુપયોગ કરવામાં ક્યારેય પાછળ નથી પડતુ. અને તેનુ તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા બીઆરટીએસના હેરીટેજ બસ સ્ટેન્ડના રખરખાવના અભાવને લઇને. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો ખર્ચીને તૈયાર કરાયેલા વિક્ટોરીયા ગાર્ડનથી દિલ્હી દરવાજા સુધીના 8 બીઆરટીએસ હેરીટેજ બસ સ્ટેશનો હાલ તંત્રના રખરખાવના અભાવે વિવાદનું કારણ બન્યા છે.

વિકાસના નામે દેશ વિદેશમાં પ્રચાર કરીને ભાજપે જેનો સૌથી વધુ રાજકીય લાભ લીધો હતો એવા અમદાવાદના બીઆરટીએસ પ્રોજેક્ટ મામલે ભાજપી શાષકો અને એએમસી તંત્ર કેટલુ નિંદ્રાધીન છે તેનો તાજો દાખલો સામે આવ્યો છે. જેમાં અધધ કહી શકાય એવા રૂ.1.05 કરોડનુ એક એવા કુલ 8 બીઆરટીએસ સ્ટેશનો આમ તો કહેવા ખાતર હેરીટેજ સ્ટેશનો કહેવાય છે અને જે માટે કુલ રૂ.10.50 કરોડની માતબર રકમ ખર્ચાઇ હતી, તે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખીતી બેદરકારીનો ભોગ બન્યા છે, કારણ છે આ અતિ મોંઘા બસ સ્ટેશનોના રખરખાવ અંગે એએમસી તંત્ર તરફથી દાખવવામાં આવતી ઉદાસીનતા. 

વર્ષ 2009 થી 2014 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ રૂ.525 કરોડના ખર્ચે 12 રૂટ પર અલગ અલગ ખર્ચે કુલ 141 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ રકમના 50 ટકા રકમ તત્કાલીન યુપીએ સરકાર, 35 ટકા ગુજરાત સરકાર અને 15 ટકા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ વિકાસના નામે રાજકીય લાભ મળી ગયો હોવાથી હવે એએમસી અને તેના ભાજપી શાષકો આ પ્રોજેક્ટના રખરખાવ મામલે ગંભીર જણાતા નથી. આજ મામલે ઝી 24 કલાકે વિક્ટોરીયા ગાર્ડનથી દિલ્હી દરવાજા સુધીના બીઆરટીએસ કોરીડોર પર આવેલા બસ સ્ટેશનોનુ રિયાલીટી ચેક કર્યુ.. જેમા જણાઇ આવી તંત્રની બેદરકારી.

શહેરના અનેક બસ સ્ટેશનો છે કે જેને બનાવવા માટે તંત્ર દ્વારા પ્રતિ બસ સ્ટેશન 1 કરોડ કરતા વધુની રકમ ખર્ચવામાં આવી છે. અને આ સ્ટેશનનોને જોતા તો એમ જ થાય કે એવુ તો વિશેષ શુ હશે કે આટલો ખર્ચ થયો... સ્ટેશનો બન્યા ત્યારે શહેરની હેરીટેજ ઇમારતોની ઝાંખ કરાવતા ફ્લેક્સ બેનરો લગાવવામાં આવ્યા હતા, જે સ્થાને હાલ સરકારી જાહેરાતો દેખાઇ રહી છે અથવા તો તે જગ્યા જ તૂટેલી છે. પ્રેમ દરવાજા બસ સ્ટેશન પર તો છાપરા પરણ તૂટી ગયેલા નજરે પડે છે.

નોંધનીય છેકે બીઆરટીએસ પ્રોજેક્ટનો મહત્તમ ખર્ચ તત્કાલીન યુપીએ સરકારે કર્ચો હતો, પરંતુ તેનો સૌથી વધુ રાજકીય લાભ ભાજપે લીધો હતો. પરંતુ હવે જ્યારે રાજકીય લાભ મળી ચૂક્યો છે તો ભાજપી શાષકો તેના રખરખાવ અંગે બેધ્યાન બની ગયા છે. જેને લઇને વિપક્ષ કોંગ્રેસે એએમસી અને તેના ભાજપી શાષકો પર આકરા પ્રહારો કર્યા છે.

નોંધનીય છેકે બીઆરટીએસ પ્રોજેક્ટ એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક હતો અને તેને સફળ બનાવવા માટે એએમસી તંત્રએ ખર્ચ કરવામા કોઇજ કસર બાકી રાખી ન હતી. અને તે માટે જ વિવિધ 12 રૂટ પર તૈયાર કરવામાં આવેલા જુદા જુદા પ્રકારના સ્ટેશનો માટે પ્રતિ સ્ટેશન ઓછામાં ઓછા 83.44 લાખથી લઇને મહત્તમ રૂ.1.05 કરોડ સુધીનો ખર્ચ કરવામાં પણ તંત્રએ પીછેહઠ નહતી કરી.

બીઆરટીએસ પ્રોજેક્ટ સંબંધી કેટલીક આંકડાકીય માહિતી પર નજર કરીએ તો...

     કોરીડોર                શેલ્ટર પ્રકાર           અંદાજીત કુલ ખર્ચ            પ્રતિ સ્ટેશન ખર્ચ
શિવરંજની-બોપલ,       આરસીસી સ્લેબ       13.88 કરોડ (15 સ્ટેશન)      92.58 લાખ
નહેરુનગર-એલીસબ્રીજ 
એઇસી-સોલા, આરટીઓ  આરસીસી સ્લેબ     10.84 કરોડ(13 સ્ટેશન)       83.44 લાખ  
ચાંદખેડા
એલીસબ્રીજ-દિલ્હી દરવાજા     હેરીટેજ          10.50 કરોડ (8 સ્ટેશન)       1.05 કરોડ
કાલુપુર-નરોડા             આરસીસી સ્લેબ      11.96 કરોડ (15 સ્ટેશન)      85.47 લાખ
શાહઆલમ-આસ્ટોડીયા      ફેબ્રીકેટેડ રૂફ         2.64 કરોડ (3 સ્ટેશન)      88.19 લાખ

સમગ્ર મામલે ભાજપી શાષકોને પુછવામાં આવતા તેઓએ ઝી 24 કલાક દ્વારા આ બેદરકારીની જાણ થઇ હોવાનુ સ્વિકારીને તંત્રને તુરંત જરૂરી પગલા ભરવા સૂચના આપી હોવાનુ જણાવ્યુ છે.

મહત્વનુ છે કે અમદાવાદમાં ઘણા એવા પ્રોજેક્ટ છેકે જેનો કરોડોના ખર્ચે તૈયાર તો કરી દેવાયા છે, પરંતુ તેનો રાજકીયા હેતુ સિધ્ધ થઇ જતા હાલ તેના રખરખાવ માટે એએમસી તંત્ર સંપૂર્ણ બેધ્યાન છે. ત્યારે વિકાસના નામે રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રચાર થકી સત્તા સુધી પહોંચેલા નેતાઓ હાલ બીઆરટીએસના રખરખાવ માટે એજલા જ નિષ્ક્રીય છે એ પણ હકીકત છે.

(6:13 pm IST)