Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

હિંમતનગરમાં ઘઉંના ઐતિહાસિક ભાવ બોલાયા

ખેડૂતો ખુશખુશાલ...... ભાવ ૯૦૦ને પારઃ યાર્ડમાં ૧૪૦૦૦ થી વધુ બોરીની આવક

હિંમતનગર, તા.૨૫ઃ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંનો સૌથી ઉંચો ભાવ બોલાયો છે. ઈતિહાસમાં પહેલીવાર ઘઉંનો ભાવ ૯૦૦ને પાર પહોંચ્યો છે. ખેડૂતના ઘઉંનો ભાવ ૯૦૧ રૃપિયા બોલાયો છે. જેને લઇને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહ્યો છે. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક વધી છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ૧૪૦૦૦થી વધુ બોરીની આવક થઇ છે. બીજી બાજુ, હજુ પણ આવક અને ભાવ વધવાની આશા છે.

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની અધધ આવક થઈ રહી છે. બે દિવસ અગાઉ ૮ હજાર બોરીથી પણ વધુ ઘઉંની આવક નોંધાઈ હતી. વાવેતરની વાત કરીએ તો જીલ્લામાં ઘઉંનું ૮૬ હજાર કરતાં વધુ હેકટરમાં વાવેતર થયું હતું, પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. હિંમતનગરના ઓપન માર્કેટમાં બે દિવસ અગાઉ જાહેર હરાજીમાં અધધ એટલે કે ૮૩૬ રૃપિયા ભાવ પડયાં હતાં. આમ તો ખેડૂતોને આટલા બધા ભાવની આશા ન હતી, પરંતુ અત્યારે સૌથી વધુ ભાવ ૯૦૧ પ્રતિ મણનો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે, તેવું હાલ તો ખેડૂતો માની રહ્યા છે. જેથી આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી રહ્યા છે

આ વખતે બેથી ત્રણ વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો હતો અને ખેડૂતોમાં પણ ભાવ ઓછો મળવાનો ભય હતો. પરંતુ આ વખતે ખુલ્લી હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુથી હરાજી શરૃ થઈ છે. ૪૩૦થી લઈને ૯૦૧ સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો પલળેલા ઘઉં હોય તો તેમાં સરેરાશ ૪૫૦થી લઈને ૫૦૦ની આસપાસ ભાવ મળે છે. જે ઘઉં સારા હોય તેના ૬૭૦થી લઈને ૯૦૧ સુધી ભાવ મળી રહ્યા છે. જેને લઈને હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ ભાવ જાણી આસપાસના જિલ્લા જેવા કે અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠાના ખેડૂતો વહેલી સવારથી જ આવી પહોંચે છે. આ ઉપરાંત આવતીકાલની હરાજી માટે અત્યારથી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા છે

(4:02 pm IST)