Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વર્ષ 2025 સુધીમાં ભારતને સંપૂર્ણ ક્ષય મુક્ત કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ

-વિશ્વ ક્ષય દિવસે વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલી જોડાયા: ગુજરાતમાં વર્ષે 10.63 લાખ સંભવિત ટીબી રોગીઓનું સ્ક્રિનિંગ : દર્દીઓના ઉપચારની સફળતાનો દર 89 ટકા

અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વારાણસી-કાશીમાં આજે વિશ્વ ક્ષય દિવસે વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજભવન, ગાંધીનગરથી ઑનલાઇન માધ્યમથી વર્ચ્યુઅલી આ સમિટમાં જોડાયા હતા. વર્ષ 2030 સુધીમાં વિશ્વને ક્ષયમુક્ત કરવાનો સંકલ્પ છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2025 સુધીમાં ભારતને સંપૂર્ણ ક્ષય મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. સહિયારા પ્રયાસો, જન ભાગીદારી, પોષણ માટે વિશેષ અભિયાન, ઈલાજ માટે નવી રણનીતિ, ટેકનોલોજીનો ઉપયોગ, વ્યાપક સર્વેક્ષણ, નિદાન અને સારવારથી આ શક્ય બનશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં ક્ષય રોગની સ્થિતિ, સારવાર અને ક્ષય નિવારણ કાર્યક્રમની જાણકારી મેળવીને લેવાઈ રહેલાં પગલાંઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં 33 જિલ્લાઓ અને 8 શહેરોમાં ક્ષય રોગ નિદાન કેન્દ્રો કાર્યરત છે. 2,178 માઇક્રોસ્કોપી કેન્દ્રો કાર્યરત છે, જ્યાં ટીબીના રોગીઓનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવે છે. દર્દીઓ ઘેર બેઠાં સારવાર લઈ શકે એ હેતુથી 37,000 ડૉટ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વર્ષે 10.63 લાખ સંભવિત ટીબી રોગીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દર્દીઓના ઉપચારની સફળતાનો દર 89% છે, જે નીતિ આયોગના સંકેત મુજબનો છે.
ભારત સરકાર ટીબીના દર્દીઓને નિ-ક્ષય પોષણ યોજના અંતર્ગત પૌષ્ટિક આહાર માટે મહિને ₹500 ની આર્થિક સહાય આપે છે. ગુજરાતમાં વર્ષ 2018 થી અત્યાર સુધીમાં 5,11,197 દર્દીઓના બેન્ક ખાતામાં આવી સહાય પેટે ₹133 કરોડ સીધા જમા થયા છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્વેચ્છિક સંગઠનો અને સેવાભાવી લોકો નિ-ક્ષય મિત્ર તરીકે ટીબી રોગીઓની સહાયતા કરી રહ્યા છે. ગુજરાતમાં 67,987 ટીબી દર્દીઓને નિ-ક્ષય મિત્ર સાથે જોડવામાં આવ્યા છે. આ વર્ષે "હાં હમ ભી ટીબી કો સમાપ્ત કર સકતે હૈં"  ની થીમ સાથે ગુજરાતને અને ભારતને ટીબી મુક્ત કરવાની ઝુંબેશ વધુ અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે.

 

(9:41 pm IST)