Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જનમેદની કોરોના વકરાવશે તો જવાબદાર કોણ ? : રોજ 8થી 10,000 પ્રવાસીઓની ભીડ

રાજ્યના પર્યટન સ્થળો બંધ : ધુળેટીની જાહેર ઉજવણી પર પ્રતિબંધ પણ SOU ચાલુ રાખવાની જાહેરાત : શું કેવડિયા, નર્મદા અને પ્રવાસીઓને કોરોના ન થાય ત્યાં સુધી તંત્રની ઉંઘ નહીં ઉડે? : મુલાકાતીઓને કોરોના થશે તો જવાબદાર કોણ ?

કોરોના કાળમાં મોટા મંદિર યાત્રાધામ પ્રવાસન સ્થળ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે SOU ખાતેની ભીડ કોરોનાને વકરાવશે. કોરોના કાળમાં સરકારની ગંભીર બેદરકારી કહી શકાય એ રીતે કોરોના કેસ વધ્યાં છતાં SOUમાં પ્રવાસીઓની ભીડ જામી છે. પ્રતિદિન 8 થી 10 હજાર લોકો મુલાકાત લઇ રહ્યાં છે

રાજ્ય બહારથી પણ પ્રવાસીઓ આવી રહ્યાં છે. પ્રવાસીઓની તપાસના નામે માત્ર ટેમ્પરેચર ચેક થાય છે. કોરોનાની બીજી લહેરમાં લક્ષણો વિનાના દર્દીઓ વધ્યા છે. મોટી ભીડ થાય તેવા તમામ સ્થળો બંધ તો SOU શા માટે ચાલુ? ધૂળેટીના દિવસે પણ SOU ચાલુ રાખવાની જાહેરાત થઈ છે. SOU કોરોના સંક્રમણનું એપી સેન્ટર બનશે તો જવાબદાર કોણ? અત્યારથી જ 28 થી 30 તારીખ સુધીના 70 ટકા બુકિંગ થયા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી શક્યતાઓ છે.

આ વર્ષે 28 માર્ચના રોજ હોળિકાદહન છે અને 29 માર્ચે ધુળેટી છે. ત્યારે ગુજરાતના મનપા વિસ્તારોમાં ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો છે. તો બીજી તરફ હોળી-ધુળેટીના તહેવારોને લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ કેટલાક લોકો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે

  મનપા વિસ્તારોમાં ધુળેટી પર પ્રતિબંધ મુકાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રહેશે તો ત્યાં લોકો એકઠા થશે અને કોરોના સંક્રમણ ફેલાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કટાક્ષ કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં બધુ બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સના દિવસે પણ ચાલુ છે.

સામાન્ય રીતે મેઇન્ટેનન્સના કાર્યને લઈને દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે છે. પરંતુ સોમવારના ધૂળેટીનો તહેવાર હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. આથી હોળી-ધુળેટીના તહેવારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક તિથલ બીચ અને ધરમપુરના વિલ્સન હીલ બે જાણીતા પ્રવાસન સ્થળો છે. આ બન્ને સ્થળોને શનિ-રવિવારે અનેજાહેર રજાના દિવસે પ્રવાસીઓની મુલાકાત પર પ્રતિબંધ મુકાયો છે. આ સિવાય રાજ્યના અનેક મંદિરો બંધ રહેશે.

રાજ્યમાં ધુળેટીની ઉજવણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. મનપાના વિસ્તારોમાં ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવશે. કોરોનાના વધતા કેસોને લઇને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મનપા વિસ્તારમાં ધુળેટી ઉજવી શકાશે નહીં. ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ઘુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો છે. અમદાવાદ અને સુરત શહેરને લઈને સરકારે નિર્ણય કર્યો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એકબીજાને રંગ ન લગાવવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં ઘુળેટી ઉજવણીમાં આંશિક છૂટછાટ મળશે. ગલી, મહોલ્લામાં ઘુળેટીની ઉજવણી કરી શકાશે.

(11:48 am IST)