Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

મર્જરની મોકાણ..ગુજરાતમાં ટૂંકાગાળામાં જ જાહેર ક્ષેત્રની બેન્કોની ૨૭૪ જેટલી શાખાઓને અલીગઢી તાળા લાગ્યા

૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ ગુજરાતમાં ૩૯૯૨ શાખાઓ હતી જે ડીસેમ્બરમાં ઘટીને ૩૭૧૮ રહી ગઈ : જે શાખાઓ બંધ થઈ તે બધી ગ્રામીણ વિસ્તારનીઃ યુનિયને વાંધો ઉઠાવ્યોઃ નાના માણસોને સેવાઓથી વંચીત રાખવાનો કારસો

રાજકોટ, તા. ૨૫ :. કેન્દ્ર સરકાર મર્જર અને પ્રાઈવેટાઈઝેશનના નામ હેઠળ જાહેર ક્ષેત્રોની બેન્કોનું ગળુ દબાવી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં ૧૦ જાહેર ક્ષેત્રની બેન્કોનું માત્ર ૪ બેન્કોમાં મર્જર કરવામાં આવ્યુ છે. જે દરમ્યાન ગુજરાતમાં જાહેર ક્ષેત્રની ૨૭૪ બેન્કોને અલીગઢી તાળા લાગી ગયા હોવાનું જાણવા મળે છે.

સ્ટેટ લેવલ બેન્ક ઓફ કમિટીના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ જાહેર ક્ષેત્રોની બેન્કોની સંખ્યા ૩૯૯૨ હતી તે ૩૧ ડીસે. ૨૦૨૦ના રોજ ઘટીને ૩૭૧૮ રહેવા પામી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેન્કોના મર્જર બાદ સગવડતા ખાતર અમુક બેન્કોને બીજી બેન્કોમાં ભેળવી દેવામાં આવી છે અને કેટલીક શાખાઓને પણ એકબીજામાં સમાવી લેવામાં આવી છે જેને કારણે બેન્કોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ છે.

૧લી એપ્રિલ ૨૦૨૦ના રોજ અલ્હાબાદ બેન્ક અને ઈન્ડીયન બેન્ક મર્જ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન બેન્ક અને આંધ્ર બેન્કને યુનિયન બેન્કમાં ભેળવી દેવામાં આવી છે. સિન્ડીકેટ બેન્ક અને કેનેરા બેન્કને એકબીજામાં સમાવી લેવામાં આવી છે. જ્યારે યુનાઈટેડ બેન્ક અને ઓબીસીને પંજાબ નેશનલ બેન્કમાં ભેળવી દેવામાં આવી છે. ૧લી એપ્રિલ ૨૦૧૯ના રોજ વિજયા બેન્ક અને દેના બેન્કને બેન્ક ઓફ બરોડામાં ભેળવી દેવામાં આવેલ છે.

ગુજરાતમાં જે ૨૭૪  બેન્કોની શાખાને તાળા લાગી ગયા છે તેમાથી મોટાભાગની એટલે કે ૨૬૬ શાખાઓ તો એક માત્ર બેન્ક ઓફ બરોડાની જ છે. જ્યારે પંજાબ નેશનલ બેન્કે ૯ શાખાઓ અને યુનિયન બેન્કે ૧૭ શાખાઓ બંધ કરી દીધી છે.

બેન્કોને ધડાધડ બંધ કરવામાં આવી રહી છે તે સામે યુનિયને વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીએ જણાવ્યુ છે કે, સરકાર બેન્કો બંધ કરી બેન્કીંગ ક્ષેત્રમાં રોજગારી ઉપર તરાપ મારી રહી છે. એટલુ જ નહિ નાના માણસોને મળતી બેન્કીંગ સેવાઓ બંધ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ છે કે સરકાર મર્જરના નિર્ણયો લઈ રહી છે પરંતુ આના કારણે રોજગારી સર્જન બેન્કીંગ ક્ષેત્રમાં સાવ ઠપ્પ થઈ ગયુ છે.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી અંતાણીએ વધુમાં જણાવ્યુ છે કે જે શાખાઓને બંધ કરવામાં આવી છે તેમા મોટાભાગની ગ્રામીણ અને સેમી અર્બન વિસ્તારની શાખાઓ છે. સરકારના આ નિર્ણયને પરિણામે ખેડૂતો અને કૃષિ જગતને બેન્કીંગ સેવાઓથી વંચીત રહેવુ પડયુ છે. કેન્દ્ર સરકાર ખાનગીકરણની નીતિ અપનાવી બેન્કીંગ ઉદ્યોગના ગળે ટૂપો આપી રહી છે. આ નિર્ણયોને પરિણામે નાના માણસોને મળતી બેન્કીંગ સેવાઓ બંધ થઈ રહી છે અથવા તો બંધ થશે. જાહેર ક્ષેત્રની બેન્કોનો હેતુ સમાજના છેવાડાના લોકો સુધી સેવા પહોંચાડવાનો છે પરંતુ સરકારના આ નિર્ણયોને પરિણામે આવા લોકોને બેન્કીંગ સેવાઓથી વંચીત રાખવામાં આવી રહ્યા છે જેની દુર્ગામી અસરો પણ પહોંચશે. ખાનગી હાથોમાં બેન્કોનું સુકાન સોંપવાથી બેન્કોમાં નાના માણસોની રહેલી મુડી પણ જોખમમાં મુકાય તેવી શકયતાઓ છે.

(10:36 am IST)