Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદમાં કોરોનાના નવા કેસમાં વધારો : નવા ત્રણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા

બોડકદેવ, ગોતા અને નિકોલ વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન:152 ઘર માઈક્રો કેન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

અમદાવાદઃ ચૂંટણીઓની રેલીઓ બાદ હવે શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા મોડે મોડે પ્રશાસન જાગ્યું છે. અમદાવાદ શહેરમાં નવા ત્રણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા છે. નવા ત્રણ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બોડકદેવ, ગોતા અને નિકોલ વિસ્તારમાં આવેલ છે, 152 ઘર માઈક્રો કેન્ટેઇનમેન્ટ ઝોનમાં છે.

અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસ વધ્યાં છે. 29 દિવસ બાદ ફરી રોજના 80થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 26 જાન્યુઆરીએ 89 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 81 નવા કેસ અને 66 દર્દી સાજા થયા છે અને વધુ એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં વધુ 380 નવા કેસ નોંધાયા હતા જ્યારે 296 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261871 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને હાલ 1869 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 1836 લોકો સ્ટેબલ છે.

(11:30 am IST)