Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

આધુનિક સુવિધાયુકત ૧૧ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હશે

પેરામેડિકલ સભામાં મેયર ગૌતમ શાહની જાહેરાત : એસોસીએશનના સભ્યોની નિમણૂંકો, પગાર વિસંગતતા દૂર કરવા, ખાલી જગ્યા ભરવા સહિતના પ્રશ્નો ઉકેલાશે

અમદાવાદ,તા. ૨૫ : શહેરમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પેરામેડિકલ ટેકનીશીયન એસોસીએશનની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં મુખ્ય મહેમાનપદેથી શહેરના મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે, શહેરની વી.એસ.હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ફરજ બજાવતાં લેબ ટેકનીશીયન અને એક્સ-રે ટેકનીશયન સહિતના પેરામેડિકલ સ્ટાફની દર્દીઓની સારવાર અને સેવામાં બહુ મહત્વની ભૂમિકા હોય છે. પેરામેડિકલ ટેકનીશયન કર્મચારીઓ અમ્યુકોના જ છે અને અમ્યુકો તમારું છે. આપણે સૌકોઇ એક પરિવાર છીએ. પેરામેડિકલ ટેકનીશયન કર્મચારીઓના કાયમી નિમણૂં, પગાર વિસંગતતા દૂર કરવા, ખાલી જગ્યાઓ ભરવા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા પણ મેયર ગૌતમ શાહે હૈયાધારણ આપી હતી. આ પ્રસંગે તેમણે મહત્વની જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં શહેરમાં અદ્યતન સાધનસુવિધાથી યુકત નવા ૧૧ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ખુલવાઇ જઇ રહ્યા છે, જેમાં પણ પેરામેડિકલ ટેકનીશીયનોને ઉમદા તકો પ્રાપ્ય બનશે. મેયર ગૌતમભાઇ શાહે મ્યુનિસિપલ કોર્પોરેશન પેરામેડિકલ ટેકનીશીયન એસોસીએશનના પ્રમુખ મહેશ બી.પટેલને આગામી દિવસોમાં તેમના પડતર પ્રશ્નો અંગે વિગતવાર અને મુદ્દાસર રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો, જેના આધારે અમ્યુકો હકારાત્મક અભિગમ અપનાવી તેના નિરાકરણ માટે ચોક્કસ કાર્યવાહી કરશે એમ મેયરશ્રીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે મેયર ગૌતમભાઇ શાહે એમ પણ જણાવ્યું હતુ કે, શહેરની વીએસ હોસ્પિટલ રૂ.૫૫૦ કરોડના ખર્ચે એશિયાની સૌથી મોટી અને સુપર મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનવા જઇ રહી છે. ૨૦ માળની હાઇટેક બનનારી વીએસ હોસ્પિટલમાં ૨૦ મા માળે હેલિકોપ્ટર મારફતે દર્દીને લાવવા ખાસ હેલિપેડ બનાવાશે અને તરત જ ૧૮ મા માળે તેનું ઓપરેશન શકય બને તેવી વ્યવસ્થા કરવાનું આયોજન છે. આવતીકાલે અમદાવાદનો ૬૦૮મો જન્મદિન હોઇ સ્વચ્છ, હરિયાળુ, પ્રદૂષણમુકત અને ટ્રાફિકમુકત બનાવવાની જાગૃતિ ઝુંબેશમાં સહભાગી બનવા પણ મેયર ગૌતમ શાહે આ કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. દરમ્યાન અમ્યુકો પેરામેડિકલ ટેકનીશીયન એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ બી.પટેલે જણાવ્યું હતું કે, શહેરની વીએસ, એલજી, શારદાબહેન, અમ્યુકો મેટ મેડિકલ કોલેજ, નગરી હોસ્પિટલ, તમામ રેફરલ હોસ્પિટલ સહિતના મહત્વના સ્થાનો પર લેબ ટેકનીશીયન અને એક્સ રે ટેકનીશીયન સહિતના પેરામેડિકલ ટેકનીશીયનો વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેઓ સંગઠિત નહી હોવાના કારણે તેમના પડતર પ્રશ્નોનું આજિદન સુધી નિરાકરણ આવ્યું નથી. આ સંજોગોમાં આ કર્મચારીઓ સંગઠિત થાય અને અમ્યુકોમાં એક પરિવારનું વાતાવરણ સર્જાય તે હેતુથી એસોસીએશનની રચના કરાઇ છે. એસો.ના પ્રમુખ મહેશ બી.પટેલે મેયર ગૌતમભાઇ શાહને અનુરોધ કર્યો હતો કે, તમામ હોસ્પિટલોમાં કાયમી જગ્યાઓ અપૂરતી છે અને ઘણા સમયથી ખાલી છે, વળી આ જગ્યાઓ પર કોન્ટ્રાકટથી માણસો નિયુકત કરાયેલા છે, તો આવી જગ્યાઓ અમારા કર્મચારીઓને પ્રાધાન્યતા આપી કાયમી ધોરણે ભરવી જોઇએ.

આ સિવાય તમામ હોસ્પિટલમાં કાયમી નિમણૂંક કરવાની, પગાર વિસંગતતા દૂર કરવાની, નિયમિત ધોરણે પગારભથ્થા ચૂકવવા અને ટેકનીશીયનના પ્રમોશન અને પોસ્ટીંગ નિયત ધોરણે કરવા સહિતના પડતર માંગણીઓ પરત્વે હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવા પણ તેમણે મેયરશ્રીને અપીલ કરી હતી. જેના અનુસંધાનમાં મેયર ગૌતમભાઇ શાહે પણ હકારાત્મક હૈયાધારણ આપી હતી. આ પ્રસંગે અમદાવાદ મેડિકલ એસો.ના વાઇસ પ્રેસીડેન્ટ ડો.મનીષ જી.શાહ, પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(9:10 pm IST)