Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અેકતરફી પ્રેમ મોંઘા પડ્યોઃ યુવકનું અપહરણ કરી માર મારતા યુવતિ સામે ગુનો નોંધાયોઃ યુવક સામે પણ છેડતીની ફરિયાદઃ અમદાવાદનો કિસ્સો

અેકતરફી પ્રેમમાં પાગલ યુવાનથી કંટાળી અેક યુવતિઅે આ યુવાનનું અપહરણ કરી માર મારતા યુવતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલા કલાસીસમાં આઈએએસની તૈયારી કરતી યુવતીના પ્રેમમાં પડેલા કલાસીસમાંથી હાંકી કઢાયેલા પૂર્વ ઓફિસ બોયનું અપહરણ કરી માર મારવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બીજી તરફ યુવતીએ પણ એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરુ કરી યુવતીના ચાર મિત્રો અને છેડતી કેસમાં યુવકની ધરપકડ કરી છે.

ચાંદખેડા ગુજરાત હાઉસીંગ બોર્ડ શુભલક્ષ્‍મીનગર ખાતે રહેતા દિલીપ મફતલાલ ડાભી એકાદ વર્ષ અગાઉ નટરાજ સિનેમા આરબીએસ કોમ્પલેક્ષમાં આવેલા વિશ્વાસ કલાસીસમાં ઓફિસ બૉય તરીકે ફરજ બજાવતા હતા. આ સમય દરમિયાન આઈએએસની તૈયારી કરતા મોનાલી (નામ બદલ્યું છે) કલાસીસમાં અભ્યાસ માટે આવતી હતી. દિલીપ ડાભીને એક તરફી પ્રેમ થઈ ગયો હોવાની જાણ મોનાલીને થતા તેણે કલાસીસના મેડમને ફરિયાદ કરી હતી. જેના પગલે આઠેક મહિના અગાઉ દિલીપને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. ત્યારબાદ દિલીપે ફોન કરી મોનાલીની માફી માંગી હતી.

ત્યાર બાદ રક્ષાબંધનના આગળના દિવસે મોનાલીએ ફોન કરી દિલીપને કલાસીસ બહાર મળવા બોલાવ્યો હતો. જયાં મોનાલીના પરિચિત કલ્પેશ ચંદેલે દિલીપને માર માર્યો હતો. આ ઘટના બાદ શિવરાત્રિએ ૧૩ જાન્યુઆરીના રોજ દિલીપે મોનાલીને ફોન કરી આજે મારો જન્મદિવસ છે. હું તને મળવા માંગુ છું તેમ કહેતા મોનાલીએ ફોન કટ કરી દીધો હતો. બીજા દિવસે મોનાલીના મિત્રો ક્લ્પેશ, પ્રશાંત અને રોનકે ફોન કરી દિલીપના ઘર તેમજ નોકરીનું સરનામું માંગતા તે ડરી ગયો હતો. આ પછી મોનાલી અને તેના ચાર મિત્રોએ સ્ટાર બજાર પાસેથી કારમાં દિલીપનું અપહરણ કરી આરબીએસ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં લઈ ગયા હતા. જયાં દિલીપને ગડદાપાટુનો માર મારી તું કલ્પેશ ચંદેલને નામર્દ કેમ કહેતો હતો તેમ કહી માર મારી નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

બીજી તરફ મોનાલીએ ફરિયાદ આપી છે કે, દિલીપે હું તને પ્રેમ કરુ છું અને હું તને કોઈની પણ નહી થવા દઉ તેમ કહી મારી તથા મારા મિત્રો સાથે ઝપાઝપી કરી ભાગતો હતો. તે સમયે એકઠા થયેલા લોકોએ પણ તેને પકડી માર્યો હતો અને ત્યારબાદ નવરંગપુરા પોલીસને સોંપતા સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો હોવાથી તમામને ત્યાં મોકલ્યા હતા.

(5:01 pm IST)